રાજકોટઃ દુબઈથી મુંબઈ જતી IGO1452 (A320) ફ્લાઈટના કાર્ગોમાં એકાએક સ્મોક ડિટેક્ટ થતાં તુરંત ઇમર્જન્સી કોલ જાહેર કરી મેડે કોલ અપાતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ સમયે પાઇલટે સમયસૂચકતાં દાખવી ફ્લાઇટને રાજકોટ આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ કરાવ્યું હતું, જ્યાં તમામ 185 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બરને ઉતારી ચેકિંગ શરૂ કરાયું હતું. એરપોર્ટ પર મેજર કોલ જાહેર થતાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કલેક્ટર સાથે વાતચીત કરી મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે અંગે સૂચન કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ દુબઈથી 02:13 વાગ્યે IGO 1452 (A320)ની ફ્લાઈટે મુંબઈ માટે ઉડાન ભરી હતી. જો કે બપોરે 2:45 વાગ્યે ફ્લાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક ધુમાડો જોવા મળતાં પાઇલટે તાત્કાલિક રાજકોટ એરપોર્ટ એટીસીને મેડે કોલ આપી આપાતકાલીન લેન્ડિંગ માટે મંજૂરી માગી હતી. મંજૂરી મળતાં પાઇલટે 3:27 વાગ્યે ફ્લાઈટનું રાજકોટ ખાતે સફળતાપૂર્વક ઇમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 194 મુસાફરો સવાર હતા. ઘટનાને કારણે થોડા સમય માટે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.

