મુંબઈઃ બેન્ક ઓફ બરોડાના ગ્રાહકોનો પર્સનલ ડેટા અને બેન્કના આંતરિક દસ્તાવેજો ડાર્ક વેબ પર લીક થઈ ગયા છે. આ મામલા સાથે સંકળાયેલાં સૂત્રો અને સાઇબર સિક્યોરિટી રિસર્ચરે આ માહિતી આપી.
કેશલેસ કન્ઝ્યુમરના સ્થાપક અને સાઇબર સિક્યોરિટી રિસર્ચર શ્રીકાંત એલ અનુસાર લીક થયેલા ડેટામાં ગ્રાહકોની પર્સનલ ડિટેલ્સ, ઓળખના દસ્તાવેજો, લોન સંબંધિત પેપર્સ અને બેન્કના આંતરિક ઓડિટ રેકોર્ડ્સ સામેલ છે. આ ડેટા લીકની પુષ્ટિ કરતાં આ મામલા સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું કે, બેન્ક ઓફ બરોડાએ આ ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ઓડિટ શરૂ કરી દીધું છે. જો કે આ લીકથી કેટલા ગ્રાહકો પ્રભાવિત થયા છે તેની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી. બેન્ક ઓફ બરોડાએ આ ડેટા બ્રીચના સંબંધમાં હજુ સુધી સ્ટોક એક્સચેન્જને કોઈ સત્તાવાર સૂચના આપી નથી.
સૂત્રો અનુસાર પ્રારંભિક સંકેતો દર્શાવે છે કે, આ સમગ્ર ઘટના ઇ-મેઇલ દ્વારા સર્વરમાં ઘૂસણખોરી દ્વારા થઈ છે. હેકર્સે ઇ-મેઇલ સિસ્ટમને હેક કરીને બેન્કના સંવેદનશીલ ડેટા સુધી પહોંચ મેળવી હતી. સાઇબર સિક્યોરિટી રિસર્ચર શ્રીકાંત એલ.એ વેબસાઇટના મેટાડેટા એનાલિસિસના આધારે જણાવ્યું કે, આ ડેટા શનિવારે રાત્રે એક ડાર્ક વેબસાઇટ પર સામે આવ્યો હતો. ડાર્ક વેબ પર આ ડેટાની 700 GBથી પણ વધુ માહિતી ધરાવતા ડેટા કેશ તરીકે જાહેરાત કરાઈ હતી.

