વંદે માતરમને રાષ્ટ્રગીતનો દરજ્જોઃ અપમાન કર્યું તો જેલની સજા થશે

Wednesday 29th July 2026 04:04 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યસભામાં રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ કાયદામાં સુધારો કરતું બિલ રજૂ કર્યું છે. આ બિલમાં એવી જોગવાઈ છે કે રાષ્ટ્રગીત વંદે માતરમને રાષ્ટ્રગીત જેવો જ દરજ્જો મળશે. તેથી જાહેરમાં વંદે માતરમનું ગાન કરતી વખતે જે કોઈપણ વ્યક્તિ તેનું અપમાન કરશે તેને સજા થશે. બિલમાં જોગવાઈ છે કે વંદે માતરમનું અપમાન કરનારાને ત્રણ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થશે. ભાજપ લાંબા સમયથી વંદે માતરમના સન્માનનો મુદ્દો ઉઠાવી રહી છે. વંદે માતરમના અપમાનને સજાપાત્ર શ્રેણીમાં સમાવવાનો પ્રયાસ તેના એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ છે. સરકારનું બિલ 1971ના રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ કાયદામાં સુધારો કરશે. અત્યાર સુધી આવી સજા ફક્ત જન-ગણ-મન અને ત્રિરંગાના અપમાન માટે જ લાગુ પડતી હતી, પરંતુ હવે વંદે માતરમ્ પણ આ જ શ્રેણીમાં આવશે. વંદે માતરમ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. મુસ્લિમોના એક વર્ગે દલીલ કરી છે કે, વંદે માતરમ કહેવું તેમની આસ્થાની વિરુદ્ધ છે. આનું કારણ એ છે કે ઇસ્લામમાં અલ્લાહ સિવાય અન્ય કોઈને પ્રણામ કરવાને પાપ માનવામાં આવે છે. આ જ દલીલને ટાંકીને મુસ્લિમ કટ્ટરપંથીઓએ ઘણીવાર વંદે માતરમ ગાવાનો ઇનકાર કર્યો છે. વંદે માતરમ સુધારો બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેના પર કાયદો ઘડાશે. તે બિલ સૌપ્રથમ રાજયસભામાં રજૂ કરાયું છે.


comments powered by Disqus