અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ડિજિયાત્રાનો ઉપયોગ કરનારા લોકોમાં વધારો થયો છે. આ વર્ષે 11 મહિનામાં 13.75 લાખ લોકો દ્વારા ડિજિયાત્રાનો ઉપયોગ કરાયો હતો. જેની સરખામણીએ ગતવર્ષે ડિજિયાત્રાનો ઉપયોગ કરનારા 9.06 લાખ લોકો હતા.
આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન દેશના જે રાજ્યમાં મુસાફરો દ્વારા સૌથી વધુ ડિજિયાત્રાનો ઉપયોગ કરાયો હતો. ડિજિયાત્રાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં કર્ણાટક 76.88 લાખ સાથે મોખરે, મહારાષ્ટ્ર 62.24 લાખ સાથે બીજા, દિલ્હી 57.28 લાખ સાથે ત્રીજા, તેલંગાણા 37.92 લાખ સાથે ચોથા, પશ્ચિમ બંગાળ 24.04 લાખ સાથે પાંચમા, તામિલનાડુ 18.23 લાખ સાથે છઠ્ઠા સ્થાને છે. આમ અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં ડિજિયાત્રાનો ઉપયોગ ઓછો છે.
એરપોર્ટ પર પેસેન્જરોને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે કામગીરી હાથ ધરાઈ છે. વર્ષ 2022થી અમદાવાદ એરપોર્ટ પર ડિજિયાત્રાની શરૂઆત કરાઈ છે. એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલમાં ચેકઇન માટે કુલ 7 ઇ-ગેટ ઉપલબ્ધ છે, જેના પગલે મુસાફરોને ઝડપી ચેકઇન કરવામાં સરળતા રહે છે અને માત્ર 15 મિનિટમાં જ તેઓ ઝડપથી ચેકઇન કરી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર આ પહેલાં પેસેન્જરને આ પ્રક્રિયાથી પસાર થવા માટે દોઢ કલાકનો સમય લાગતો હતો, પરંતુ આ સુવિધાથી હવે મુસાફરોને એક કલાકથી વધુનો સમય બચે છે.

