અમદાવાદના આંગણે ઈન્ડો-EU સમિટ?: જર્મનીના ચાન્સેલર મર્ઝ ગુજરાત પ્રવાસે

Wednesday 31st December 2025 04:48 EST
 
 

ગાંધીનગરઃ નવા વર્ષ 2026ના આરંભે જાન્યુઆરીમાં ભારતમાં મળનારી 17મી ઇન્ડો- EU સમિટ સંભવતઃ અમદાવાદમાં યોજાઈ શકે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે તેના માટે તડામાર તૈયારી શરૂ કરી છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાત આવી રહ્યા છે. 12 જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ અમદાવાદ આવી રહ્યા છે, જેમનું PM મોદી સ્વાગત કરશે.
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ વર્ષ 2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, 2017માં જાપાનના PM શિંઝો આબે, 2018માં ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહૂ, કેનેડાના જસ્ટિન ટ્રુડો, 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, 2022માં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન, 2023માં ઓસ્ટ્રેલિયાના એન્થોની અલ્બાનીઝ અને છેલ્લે 2024માં UAEના રાષ્ટ્રપતિ શેખ મોહંમદ બિન જાયદ ગુજરાત આવી ચૂક્યા છે. આ જ શૃંખલામાં હવે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનું નામ પણ ઉમેરાય તેવી શક્યતા છે.
કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓથી પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન મોદી અગાઉ 10 જાન્યુઆરીએ રાજકોટ ખાતે રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે આવવાના હતા. આ કાર્યક્રમમાં આંશિક ફેરફાર થઈ રહ્યો છે. હવે તેઓ 11 જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે, બીજા દિવસે અમદાવાદમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝને વેલકમ કરશે. અમદાવાદમાં ઇન્ડો-EU સમિટના આયોજનની તૈયારી કરવા આગામી સપ્તાહે દિલ્હીથી ટીમ આવશે. આ તરફ છેલ્લા એક દશકથી આત્મનિર્ભરતા, નવીનતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરનારા પાલિતાણાના હણોલ ગામ ખાતે આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026નું 13થી 15 જાન્યુઆરી દરમિયાન આયોજન કરાયું છે, જેનું પ્રધાનમંત્રીને આમંત્રણ અપાયું છે.


comments powered by Disqus