અમદાવાદઃ હિન્દુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીને લઈને વિરોધ કરવામાં આવ્યો. 27 ડિસેમ્બરે અમદાવાદના એસ.જી. હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા વિરોધ કરાયો હતો. ભગવા સેનાના 4થી 5 કાર્યકર પેલેડિયમ મોલ ખાતે પહોંચ્યા હતા અને મોલમાં લગાવાયેલા ક્રિસમસ ટ્રીની તોડફોડ કરી હતી. મોલમાં જે પણ ક્રિસમસ ટ્રી લગાવાયાં હતાં એને તાત્કાલિક દૂર કરવા ભગવા સેના દ્વારા માગ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે પહોંચી તમામ કાર્યકરોની અટકાયત કરાઈ હતી.
25 ડિસેમ્બરથી લઈ 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈ વિવિધ જગ્યાએ ક્રિસમસ ટ્રી, સાંતાક્લોઝ, લાઇટિંગ સહિતના શણગાર કરાય છે. પેલેડિયમ મોલમાં અચાનક જ ભગવા સેનાના કાર્યકરો આવતાં સિક્યોરિટીમાં દોડધામ મચી હતી. મોલ સંચાલકોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં તેઓએ ક્રિસમસ ટ્રી સહિત ડેકોરેશન દૂર કરવા માગ કરી હતી.

