ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીમાં 16 ડિસેમ્બર 2025ના રોજ મંગળવારે ‘સંતરામ ભવન’ (સાયન્ટિફિકલી એડવાન્સડ ન્યૂ ઇમર્જિંગ ટેક્નોલોજી રિસર્ચ એન્ડ એનાલિટિકલ મૂલ્યાંકન ભવન)નો નામાભિધાન સમારોહ યોજાયો. આધ્યાત્મિક સંતો ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, સ્વામી ગુરુશરણાનંદજી મહારાજ (રમણરેતી, મથુરા), ઉમરેઠના સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ અને નડિયાદ સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજના હસ્તે ‘સંતરામ ભવન’ નું ઉદ્ઘાટન કરાયું. આ ઉપરાંત સંતોના હસ્તે તક્તીનું અનાવરણ, દીપપ્રાગટ્ય કરાયું હતું.
સંતરામ ભવનના મુખ્ય દાતા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને સંતરામ ભક્ત દેવાંગભાઈ પટેલ અને ઇપ્કો પરિવાર છે. આ પ્રસંગે ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા કેળવણી મંડળ સીએચઆરએફના સેક્રેટરી ડો. એમ.સી. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, સીએચઆરએફ-ચારુસેટ હોસ્પિટલના પ્રમુખ અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, ચારુસેટના રજિસ્ટ્રાર ડો. બિનિત પટેલ, અનિતાબહેન દેવાંગભાઈ પટેલ, ઇપ્કો પરિવારજનો ઉપરાંત માતૃસંસ્થા, કેળવણીમંડળ અને સીએચઆરએફના પદાધિકારીઓ, ચારુસેટ પરિવાર, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ચારુસેટની પ્રગતિમાં સ્વ. ઇન્દુકાકા, દેવાંગભાઈ અને અનિતાબહેનનો આર્થિક સહયોગ કેન્દ્રસ્થાને છે. રૂ. 25 કરોડથી વધુના યોગદાન સાથે દેવાંગભાઈ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત દાતાઓમાં સ્થાન ધરાવે છે, જેમના માતબર દાનથી ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIIM), દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ અને અનિતા દેવાંગ પટેલ ઇપ્કોવાલા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એકેડેમિક-રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ્સનો ઉદય થયો છે.

