અમદાવાદઃ વિશ્વ ઉમિયાધામ દ્વારા રવિવારે સમસ્ત પાટીદાર સમાજનું ભવ્ય યુવા બિઝનેસ મહાસંમેલન યોજાયું હતું. ગુજરાતભરના વિવિધ જિલ્લાથી 30 હજારથી વધુ યુવા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો. યુવા સંગઠન દ્વારા આયોજિત આ મહાસંમેલનનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના યુવા ઉદ્યોગસાહસિકોને એક મંચ પર જોડવા માટે તૈયાર કરાયેલ VUF Business Network મોબાઇલ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરાયું. આ એપ્લિકેશન સાથે આગામી સમયમાં એક લાખથી વધુ યુવા ઉદ્યોગસાહસિકો જોડાશે. મહાસંમેલન દરમિયાન 20 હજાર યુવા ઉદ્યોગસાહસિકોએ ‘આત્મનિર્ભર ભારત’નો સંકલ્પ લઈ વિશ્વવિક્રમ સર્જ્યો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તેઓ વિશ્વ ઉમિયાધામ સાથે અગાઉ જોડાયેલા નહોતા. પરંતુ પ્રમુખ આર.પી. પટેલે તેમને મા ઉમિયાના મંદિર સાથે જોડ્યો. દેશને વિશ્વગુરુ બનાવવામાં પાટીદાર સમાજનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

