આણંદઃ આઝાદી કાળથી તમાકુની ખેતી માટે આણંદ જિલ્લો જાણીતો છે. જિલ્લામાં દરવર્ષે 70 હજાર હેક્ટરથી વધુ જમીનમાં તમાકુની ખેતી થાય છે. અહીં તમાકુ સહિતના અન્ય પાકોમાં પણ રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ થતો હોય છે. ત્યારે રાસાયણિક ખાતરમાં રહેલો નાઇટ્રોજન દરવર્ષે જમીનમાં ઉતરે છે અને તેના કારણે ભૂગર્ભ જળમાં નાઇટ્રેટ તત્ત્વ ભળતું હોય છે. જિલ્લામાં આણંદ, બોરસદ, પેટલાદ અને આંકલાવ તાલુકામાં છેલ્લાં 70 વર્ષથી તમાકુની ખેતી થાય છે, તેના કારણે જ ભૂગર્ભજળ ઝડપથી દૂષિત થઈ રહ્યું છે.
હાલમાં જિલ્લાના આંકલાવડી, સારસા પંથકના અને બોરસદ તાલુકાના ભાઠાનાં કુલ 22 ગામોનું ભૂગર્ભ જળ નાઇટ્રેટયુક્ત બની જતાં ત્યાંનું પાણી પીવાલાયક ન હોવાનું સરકારી તંત્રનાં આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં સૌથી વધુ તમાકુનું વાવેતર આણંદ, બોરસદ, આંકલાવ, પેટલાદ પંથકમાં થાય છે. આણંદ સહિત ચારેય તાલુકાનાં કેટલાંક ગામોમાં સરેરાશ 500થી વધુ વીઘા જમીનમાં તમાકુનું વાવેતર થાય છે. દરવર્ષે અંદાજે 3.50 લાખ થેલી યુરિયા સહિત અન્ય ખાતરનો ઉપયોગ થાય છે, જેના કારણે વર્ષે સરેરાશ 3 ફૂટ જમીનમાં નાઇટ્રોજન તત્ત્વ ઉતરે છે. આમ 50 વર્ષમાં 200થી વધુ ફૂટ નીચે નાઇટ્રેટ પહોંચી ભૂગર્ભ જળમાં ભળી ચૂક્યું છે. આમ લાખો લિટર પાણીમાં નાઇટ્રેટ ભળતાં જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે.
હાલમાં 22થી વધુ ગામોનાં ભૂગર્ભ જળમાં 60 પીપીએમથી વધુ નાઇટ્રેટ હોવાથી પીવાલાયક રહ્યું નથી. જ્યારે 80થી વધુ ગામોની જમીનમાં હાલમાં નાઇટ્રેટ તત્ત્વ 42 પીપીએમથી વધુ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. જો હવે તમાકુની રોપણી નહીં અટકાવાય તો આગામી 50 વર્ષમાં મોટાભાગનાં ગામોમાં નાઇટ્રેટનું પ્રમાણ વધશે અને પાણી પીવાલાયક નહીં રહે તેમ ભૂગર્ભ જળનો અભ્યાસ કરી રહેલા નિવૃત્ત પ્રોફેસરે જણાવ્યું હતું.
ભૂગર્ભ જળમાં નાઇટ્રેટ પ્રમાણ વધુ હોય તેવું પાણી પીવાથી મનુષ્યો વિવિધ બીમારીઓનો ભોગ બને છે. જો પાણીમાંથી નાઇટ્રેટનું પ્રમાણ ઘટાડવું હોય તો લાંબા ગાળાનું પ્લાનિંગ કરવું પડે. જે માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીને પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. ચોમાસામાં વરસાદી પાણી વધારે જમીનમાં ઉતરે તેવાં આયોજન કરવાથી તેનો ફાયદો 20 વર્ષ બાદ થાય છે.

