ગાગોદરઃ કચ્છમાં ઔદ્યોગીકરણની ક્રાંતિ બાદ જમીનના ભાવ ઊંચકાયા છે, જેથી કરોડોની જમીન હડપ કરી રાતોરાત કરોડપતિ બનવાનાં સપનાં જોતા લોકો સક્રિય બન્યા છે. રાપરના ભીમદેવકા અને ફૂલપરાના 117 ખેડૂતોની 800 એકર જમીન સાટા કરારના આધારે બારોબાર વેચાઈ હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં પ્રતિ એકરે રૂ. 4.21 લાખનો નોટરી કરાર કરી 21 લાખ ટોકન પેટે ચૂકવાયા છે. જાણવા મળ્યા પ્રમાણે કુલ રૂ. 34 કરોડમાં આ સોદો નક્કી કરાયો છે.
નવાઈની બાબત એ છે કે, સોલાર પ્લાન્ટ માટે આ જમીન વેચાણથી અપાઈ હોવાનો ઉલ્લેખ નોટરી કરારમાં છે, પરંતુ જમીનના મૂળ માલિકો જ આ અંગે અજાણ છે. રાપરમાં સોલાર અને પવનચક્કીની કંપનીઓ આવતાં જમીનના ભાવ આસમાને પહોંચતાં ભૂમાફિયા જમીન હડપ કરી કરોડપતિ બનવાનાં સપનાં જોઈ રહ્યા છે. લેભાગુ તત્ત્વો જમીન હડપવા માટે ખોટા સોગંદનામાં કરીને કરોડો રૂપિયાની જમીન બારોબાર વેચી રહ્યા છે. 300 રૂપિયાના સ્ટેમ્પની ખરીદી કરીને રાપર તાલુકાના ભીમદેવકા અને ફૂલપરાના 117 ખેડૂતોની 800 એકર જમીન માફિયાઓ દ્વારા બારોબાર વેચી નખાતાં વાગડના ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. એક એકર જમીનનો રૂ. 4.21 લાખમાં સોદો કરીને ટોટલ 800 એકર જમીનના રૂ. 34 કરોડ નક્કી કરી જમીન માફિયાઓ દ્વારા ખોટું સોગંદનામું કરીને જમીન બારોબાર વેચી મારવામાં આવી. ટોકનમાં રૂ. 5 લાખ રોકડા અને રૂ. 16 લાખ બેન્ક ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે.

