મહેસાણાઃ 29 નવેમ્બરે દુબઈ અને ત્યાંથી વાયા પોર્ટુગલ થઈને યુરોપ જવા નીકળેલા મહેસાણાના બદલપુરા (મેઉ) ગામના કિસ્મતસિંહ, તેમનાં પત્ની અને 3 વર્ષની દીકરીની સાથે લીબિયામાં બંધક બનાવ્યાં હતાં. ત્યારબાદ અપહરણકારોએ માગેલી રૂ. 2.50 કરોડની ખંડણીની રકમમાં બાર્ગેનિંગ કરી બંધક બનાવેલા યુવકના ભાઈએ યુરોપથી રૂ. 85 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી પરિવારના ત્રણેય સભ્યને મુક્ત કરાવ્યા છે. આ દંપતી 18 ડિસેમ્બરે બદલપુરા પોતાના ઘરે હેમખેમ પરત આવ્યું.
લીબિયાની એક હોટેલમાં લઈ જવાયા
લીબિયા પહોંચતાં જ એરપોર્ટ પરથી એજન્ટના માણસો તેમને એક હોટેલમાં લઈ ગયા, જ્યાં તેમના પાસપોર્ટ, મોબાઇલ અને પૈસા છીનવી લેવાયાં. અજાણ્યા દેશમાં અજાણ્યા લોકો વચ્ચે આ પરિવારને બંધક બનાવી દેવાયો હતો.
એજન્ટે પણ રૂ. 30 લાખ લીધા હતા
લીબિયાથી આ અપહરણકારોએ વીડિયો કોલ કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને રૂ. 2.50 કરોડની માગણી કરી હતી. આ વાત સાંભળી મહેસાણામાં તેમના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એજન્ટ હર્ષિતને અગાઉ રૂ. 30 લાખ ચૂકવ્યા હોવા છતાં પરિવાર પર જીવના જોખમના કારણે ફરીથી નાણાંની વ્યવસ્થા કરવી પડી હતી. આખરે રકઝક બાદ રૂ. 85 લાખની ખંડણી આપ્યા બાદ પરિવારનો છુટકારો થયો હતો.

