ભુજઃ વિશ્વવિખ્યાત સફેદ રણમાં હાલ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે. ખાસ કરીને ક્રિસમસની રજાઓ અને ન્યૂ યર ઊજવવા દેશ-વિદેશના પ્રવાસીઓ સાથે શાળા પ્રવાસના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં રણની સુંદરતાને માણવા આવી રહ્યાં છે. ધોરડોમાં સફેદી જામી જતાં પ્રવાસીઓ સફેદ ધરતી, સનસેટનો નજારો માણી આહલાદક અનુભવનો અહેસાસ કરી રહ્યા છે. રવિવારે જ એક અંદાજ પ્રમાણે સવારથી રાત સુધી 50 હજાર પ્રવાસીઓ પહોંચ્યા હતા.
ખાસ કરીને અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો, વોચ ટાવર પર લેઝર લાઇટ-શો નિહાળી સહેલાણીઓ કચ્છનાં રંગે રંગાયા હતા. સખી હેન્ડિક્રાફ્ટની બજારો અને કચ્છી માવા સહિત ખાણીપીણીની બજારમાં પણ ભારે ઘરાકી જોવા મળી હતી. ધોરડોના સફેદ રણમાં સાંજે સૂર્યાસ્તનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં સબરસ બસ સ્ટેશનથી સરકારી બસ અને ઊંટગાડી મારફતે વોચ ટાવર પહોંચ્યા હતા. વોચ ટાવર આસપાસના વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં માનવમહેરામણ જોવા મળ્યો હતો.
હોટેલ, રિસોર્ટ તમામ સ્થળ હાઉસફુલ
રણોત્સવના કારણે પ્રવાસીઓ કચ્છમાં ટેન્ટ સિટી સહિત ધોરડો તેમજ આસપાસના મોટાભાગના ભુંગા, રિસોર્ટ તેમજ ભુજ સહિતના વિસ્તારોમાં હોટેલો, ધર્મશાળા, સમાજવાડીઓમાં હાઉસફુલનાં પાટિયાં લાગી ગયાં છે.

