સુરેન્દ્રનગરમાં રૂ. 1500 કરોડનું જમીન કૌભાંડ

Wednesday 31st December 2025 04:47 EST
 
 

સુરેન્દ્રનગરઃ રૂ. 1500 કરોડના જમીન NA (બિનખેતી) કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બરે સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાંધીનગર ઈડીની અલગ અલગ 8થી વધુ ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારથી દરોડા પડાયા હતા. બે દિવસના સર્ચ ઓપરેશન બાદ ઈડીની ટીમે આ મામલે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાવી છે.
ઈડીની અલગ-અલગ 8થી વધુ ટીમ દ્વારા મંગળવારે જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાસસ્થાન સહિત જમીન સંપાદન વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ, રતનપર સોમનાથ ચોકમાં રહેતા વકીલ ચેતન કણઝરિયા અને લખતર રહેતા કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાને સંલગ્ન સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
વઢવાણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે સર્ચ ઓપરેશન બાદ રોકડ રૂ. 67.50 લાખ અને અમુક ફાઇલો કબજે કરી બુધવારે વહેલી સવારે ઘરપકડ કરી હતી. અમદાવાદ વિશેષ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરતા કોર્ટે 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાસસ્થાનથી પણ અંદાજે 100થી વધુ મહત્ત્વની ફાઇલો કબજે કરી હતી.


comments powered by Disqus