રાજકોટઃ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના મીતિયાળા અભયારણ્ય અને ગામ પાસે ફોલ્ટલાઇન ફરી સક્રિય થઈ છે. સોમવારે સવારે 11:53 વાગ્યે 2.6 અને રવિવારે સાંજે 4:10 વાગ્યે 3.1ની તીવ્રતાના બે તેમજ અન્ય હળવા આંચકાથી ધરતી ધ્રૂજી ઊઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. હાઇડ્રોલોજિકલ લોડિંગ અર્થાત્ પાણીના ભૂગર્ભમાં ઊતરતાં સર્જાયેલું દબાણ તેનું એક કારણ રહ્યું છે. સ્વાર્મ પ્રકારના એટલે કે ઝૂંડમાં આવતા ભૂકંપ માટે આ વિસ્તાર સૌથી સંવેદનશીલ રહ્યો છે અને તાજેતરમાં ભારે માવઠા બાદ ફરી આંચકાનો સિલસિલો શરૂ થયો છે.
નોંધપાત્ર બાબત એ છે આ બંને ભૂકંપોનું કેન્દ્રબિંદુ બરાબર એક જ સ્થળે અમરેલીથી 42 કિ.મી. દક્ષિણ-પૂર્વ દિશાએ સાવરકુંડલા અને ખાંભા વચ્ચે વાંકિયા ગામ નજીક મીતિયાળા પાસે નોંધાયું છે. સ્વાર્મ અને અન્ય ભૂકંપ વચ્ચે મુખ્ય 4 ખાસિયત છે. સ્વાર્મમાં લગભગ સરખા મેગ્નિટ્યૂડના આંચકા આવે છે, સ્વાર્મનો વિસ્તાર સીમિત હોય છે, સ્વાર્મમાં ધરતીના પેટાળમાં પાણી કે મેગ્મા જતાં ઊર્જા મુક્ત થતી હોય છે અને સ્વાર્મ મોટાભાગે 3થી ઓછી તીવ્રતાના હોય છે.
