અમદાવાદઃ ગુજરાતીઓ સાથે બે વર્ષમાં રૂ. 201 કરોડના સાઇબર ચીટિંગનો મુદ્દો આક્રોશ સર્જી જાય તેવો છે. જો કે એક જ વર્ષમાં અમેરિકી નાગરિકોના રૂ. 400 કરોડ પણ સાઇબર ઠગાઈથી સેરવી લેવાયા છે. મોટાભાગના લોકોને એ વાતની પણ જાણ નહીં હોય કે, અમેરિકા સહિત વિશ્વના 6 દેશોમાં પણ સાઇબર ઠગાઈનો ત્રાસ છે. જાણીને આંચકો લાગશે કે ઠગાઈના કોલ સેન્ટર્સનું એપિ સેન્ટર ગુજરાત છે. દોઢેક દાયકા પહેલાં વર્ષ 2012-13માં અમદાવાદના સેટેલાઇટ અને સરખેજ વિસ્તારથી ઠગાઈના કોલ સેન્ટર્સનો આરંભ થયો હતો.
હવે કોલ સેન્ટર્સ ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ વિશ્વવ્યાપી બની ગયાં છે. કોલ સેન્ટર્સની જગ્યાઓ બદલાતી રહે છે પણ ઠગાઈનો ધંધો અટકતો નથી. બે વર્ષમાં ગુજરાતીઓએ રૂ. 201 કરોડ ગુમાવ્યા છે, તો અમેરિકાની પ્રજાએ એક વર્ષમાં રૂ. 491 કરોડ ગુમાવ્યા છે. વિશ્વવ્યાપી બની ચૂકેલાં ઠગાઈના કોલ સેન્ટર્સથી થતી લાખો કરોડ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી મારફતે હેરાફેરીના માસ્ટર માઇન્ડ ચીનના છે.
નાણાંની હેરાફેરી ક્રિપ્ટો કરન્સીથી
વિદેશી નાગરિકો સાથે ઠગાઈનાં કોલ સેન્ટર હવે પુને, ચંદીગઢ, દિલ્હી સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ચાલે છે. બે દિવસ પહેલાં જ પુને પોલીસે અમેરિકી નાગરિકો સાથે રોજ રૂ. 25 લાખની છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડી પાડ્યું છે. ગુજરાતના એરોન ઉપરાંત રાજસ્થાનના શખ્સો સંચાલિત કોલ સેન્ટરમાં વિદેશથી ઠગાઈના લાખો-કરોડો રૂપિયા આવતા હતા, તેની હેરાફેરી ક્રિપ્ટો કરન્સીથી થતી હતી. હવાલાના વિવિધ લેયર્ડ નેટવર્ક દ્વારા ચીન થઈને ઠગાઈના પૈસાથી ખરીદેલા ક્રિપ્ટો મુખ્ય સંચાલકોના ખાતામાં ઠલવાય છે.
કોલ સેન્ટર દ્વારા વિદેશથી ભારતમાં અથવા ભારતથી વિદેશમાં થતી ઠગાઈ સામે સીબીઆઇના નેજાતળે દેશભરની એજન્સીઓએ કાર્યવાહી આરંભી છે. સીબીઆઇએ વર્ષ 2025થી ઓપરેશન ચક્ર શરૂ કર્યું છે, જે ગેરકાયદે કોલ સેન્ટર અને ગેરકાયદે રોકાણનાં કૌભાંડો સામે કાર્યવાહી કરે છે.

