અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અશાંતધારા અધિનિયમમાં સુધારા માટેનું વિધેયક ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું, જે અંગે વિપક્ષ દ્વારા કેટલાક મુદ્દે વિરોધ પણ કરાયો હતો. જો કે અંતે લાંબી ચર્ચા બાદ મોડી સાંજે બહુમતીથી આ બિલ પસાર થઈ ગયું હતું. વિધેયક પૈકીના સુધારા મુજબ રાજ્યમાં આવેલા અશાંત વિસ્તારોની પ્રોપર્ટી-મિલકત હવે મોર્ગેજ કરીને કે મોર્ગેજ ડીડ દ્વારા બેન્ક-નાણાકીય સંસ્થા પાસેથી લોન લઈ શકાશે.
ગુજરાતમાં હાલ અશાંતધારો 1991 લાગુ છે અને જેમાં મહત્ત્વના સુધારા કરવા વિચારણા ચાલી રહી હતી, ત્યારે સરકાર દ્વારા અશાંતધારા સુધારા વિધેયકને વિધાનસભામાં ચર્ચા માટે મુકાયું હતું. જેમાં ભાજપના ધારાસભ્યોએ કેટલાક સમુદાયો આધારિત કેટલાક વિસ્તારોમાં દૂષણ અને અશાંતિ કે દબાણ હોવા સાથે સરકારના આ સુધારા વિધેયકને સમર્થન આપ્યું હતું. સરકાર દ્વારા ગુજરાતના અશાંત વિસ્તારોની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોની જગ્યાથી ભાડુઆતોને ખાલી કરાવવાથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત સુધારા કર્યા છે. આ સાથે કેટલીક નવી જોગવાઈઓ ઉમેરાઈ છે.
