ભુજઃ તાજેતરમાં રાજ્યની વિધાનસભામાં રજૂ થયેલા સામાજિક-આર્થિક સમીક્ષા રિપોર્ટ અને ‘સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટી’ (એસએલબીસી)ના સપ્ટેમ્બર-2025 સુધીના આંકડાએ કચ્છ જિલ્લાની બેન્કિંગ વ્યવસ્થાનું આશ્ચર્યજનક ચિત્ર રજૂ કર્યું છે. ગુજરાતના તમામ 33 જિલ્લાની કોમર્શિયલ બેન્કોની કામગીરીનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે, કચ્છના લોકોએ બેન્કોમાં બચત અને થાપણોના ઢગલા કરી દીધા છે. પરંતુ તેની સામે સ્થાનિક સ્તરે વેપાર-ઉદ્યોગ કે વ્યક્તિગત જરૂરિયાત માટે લોન (ધિરાણ) આપવામાં
બેન્કો ઘણી જ ઉદાસીન અને કંજૂસ સાબિત થઈ રહી છે.
432 બેન્ક શાખાઓ સાથે કચ્છ ગુજરાતમાં છઠ્ઠા ક્રમે છે. જિલ્લાની આર્થિક સધ્ધરતાનો સૌથી મોટો પુરાવો એ છે કે રૂ. 63,569 કરોડની માતબર થાપણો સાથે કચ્છ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ બાદ પાંચમા ક્રમે આવે છે. NRI ભંડોળ અને સ્થાનિક બચતના કારણે કચ્છના લોકોની બેન્કોમાં બચત કરવાની ક્ષમતા અત્યંત મજબૂત છે. રૂ. 35,191 કરોડના ધિરાણ સાથે કચ્છ આ બાબતમાં પણ રાજ્યમાં પાંચમા ક્રમે છે.
સૌથી મોટી ચિંતા
આ રિપોર્ટનું સૌથી આશ્ચર્યજનક પાસું ક્રેડિટ ડિપોઝિટ રેશિયો છે. ગુજરાત રાજ્યનો સરેરાશ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો 90.36 ટકા છે, જેની સરખામણીમાં કચ્છનો રેશિયો માત્ર 55.36 ટકા છે. આનો સીધો અર્થ એ છે કે, કચ્છની બેન્કોમાં જમા થતા દર 100 રૂપિયા સામે બેન્કો માત્ર 55 રૂપિયા આસપાસ જ ધિરાણ (લોન) પેટે આપે છે. આ દર્શાવે છે કે બેન્કો પાસે પુષ્કળ ભંડોળ જમા થાય છે, પરંતુ તે ભંડોળનો ઉપયોગ સ્થાનિક વિકાસ કે ધિરાણ માટે પૂરતા પ્રમાણમાં થઈ રહ્યો નથી. કચ્છ કરતાં માત્ર 7 જિલ્લા ખેડા, તાપી, ગાંધીનગર, આણંદ, નવસારી, પોરબંદર અને ડાંગનો સીડી રેશિયો ઓછો છે. સૌથી વધુ સીડી રેશિયોથી લઈને સૌથી ઓછા રેશિયોની ગણતરી કરતાં કચ્છ રાજ્યના કુલ 33 જિલ્લાઓમાં 26મા ક્રમે આવે છે.

