અમદાવાદઃ ગુજરાત સરકારનું દેવું સતત વધી રહ્યું છે, ત્યારે કેગના 2024-’25ના ફાઇનાન્સિયલ ઓડિટિંગ મુજબ 2024-’25માં રાજ્યનું કુલ દેવું રૂ. 3.80 લાખ કરોડથી વધુનું થવા જાય છે. આ સાથે કુલ જાહેર જવાબદારી રૂ. 4.59 લાખ કરોડથી વધુની છે. બીજી તરફ સરકારે બજારથી લીધેલી તમામ લોન સામે આગામી 5 વર્ષમાં રૂ. 1.85 લાખ કરોડની મુદ્દલ અને રૂ. 14 હજાર કરોડથી વધુના વ્યાજ સાથે રૂ. 1.99 લાખ કરોડ ચૂકવવા પડશે.
કેગના રિપોર્ટમાં કરાયેલી ટિપ્પણી અને ટકોર મુજબ રાજ્યની બાકી જાહેર જવાબદારી 2024-’25માં વધીને રૂ. 4,59,490 કરોડ પહોંચી ગઈ છે. જે જાહેર હિસાબની જવાબદારીમાં તીવ્ર વધારો અને વ્યાજ ન આપતી થાપણોને કારણે થઈ હતી. કેગમાં રજૂ કરાયેલી વિગતો મુજબ સરકારે લીધેલી બજાર લોનો સામે આગામી એક વર્ષમાં રૂ. 2095 કરોડનું વ્યાજ અને રૂ. 26,760 કરોડની મુદ્દલ તથા 2થી 3 વર્ષમાં રૂ. 5436 કરોડ વ્યાજ અને રૂ. 72820 કરોડ મુદ્દલ તથા 4થી 5 વર્ષમાં રૂ. 8,52,205 કરોડ મુદ્દલ અને રૂ. 6518કરોડ વ્યાજ તથા 6થી 7વર્ષમાં રૂ. 5140 કરોડ વ્યાજ અને રૂ. 73,000 કરોડ મુદ્દલ તથા 8થી 10 વર્ષમાં રૂ. 3775 કરોડ વ્યાજ તથા રૂ. 50,500 કરોડનું વ્યાજ ચૂકવવું પડશે. આમ 5 વર્ષમાં રૂ. 1,84,985 કરોડની મૂળ રકમ અને તેના પર રૂ. 14,049 કરોડનું વ્યાજ ચૂકવવું પડશે.
