અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 માર્ચે ગુજરાતની મુલાકાત લીધી. આ તેમની એક જ મહિનામાં બીજી ગુજરાત મુલાકાત રહી. આ દરમિયાન તેમણે ગાંધીનગરમાં મહાવીર જયંતીના ખાસ અવસરે કોબા ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું, સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકંડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ સિવાય વાવ-થરાદમાં ભાજપના કાર્યકરો અને જનતાને સંબોધી રૂ. 19,806 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગર સૂરીશ્વરજીનાં આશીર્વાદ લીધાં હતાં. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા (ટોરેન્ટ ગ્રૂપના માલિક) સહિત દેશભરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોબા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારા માટે આજે મહાવીર જયંતી અનેક રીતે શુભ છે. ગાંધીનગરમાં આવતાંની સાથે જ પ્રથમ કાર્યક્રમ ‘મૂળિયા સાથે જોડાવાનો’ કર્યો. અહીંથી હવે સાણંદ જઈશ ત્યાં બીજો કાર્યક્રમ ‘જગત સાથે જોડાવાનો’ કરીશ.
સાણંદ-સિલિકોન વેલી વચ્ચે નવો બ્રિજ
સાણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકંડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કહ્યું કે, સાણંદમાં નિર્મિત વસ્તુ અમેરિકા જશે અને ત્યાંથી આખી દુનિયામાં જશે. સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે નવો બ્રિજ બની ગયો છે. કેર્લિફોનિયાની કંપની માટે આ પ્લાન્ટ ઇન્ટેલિજેન્ટ પાવર મોડ્યુલ આપી રહ્યો છે. તેમણે મને કહ્યું કે, અહીં બનનનારો પહેલો જથ્થો નિકાસ માટે બુક થઈ ગયો છે.
સાણંદ-ધોલેરાને મોટો ફાયદો
કેઇન્સ સેમિકોનના પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે, જ્યારે માઇક્રોનમાં 2027 આવતાં આવતાં રોજ 10 લાખ ચિપ્સનું પ્રોડક્શન થવા લાગશે. આમ રોજ 70 લાખ જેટલા સેમિકંડક્ટર બનવા લાગશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ 4 પ્લાન્ટને મંજૂરી અપાઈ છે, જે પૈકી 3 સાણંદમાં અને એક ધોલેરામાં છે. આમ સાણંદમાં સીજી પાવર અને ધોલેરામાં ટાટા-PSMC પ્લાન્ટ કાર્યરત્ થવાના બાકી છે.
દેશની જનતાને 19,806 કરોડના વિકાસકાર્યોની ભેટ
આ સિવાય સાણંદથી તેમણે કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ રૂ. 19,806.9 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યોમાં રૂ. 5100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત 109 કિ.મી. લાંબા ‘અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે’નું લોકાર્પણ કર્યું. આ હાઇવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1:45 કલાકમાં કાપી શકાશે.
‘આ ડિકેડને હું ભારતનો ટેકેટ કહું છું’
વડાપ્રધાને કહ્યું કે, હું આ દાયકાને એટલે કે ડિકેડને ભારતનો ટેકેટ કહું છું, AI મામલે ભારત દુનિયામાં સૌથી આગળ છે. આપણે ટેકને એક્સપ્લોર કરીએ છીએ. 21 સદીનું ભારત માત્ર પરિવર્તનનું સાક્ષી નહીં પણ પરિવર્તનનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે. અમારી નીતિ અને નિર્ણય ટેક્નોલોજી અને એનર્જી સિક્યોરિટીનો મજબૂત પાયો નાખી રહી છે.
વાવ-થરાદમાં પીએમના કોંગ્રેસ પર પ્રહાર
વડાપ્રધાન મોદીએ મંગળવારે વાવ-થરાદમાં યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસ પર તીવ્ર નિશાન સાધ્યું. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ સરકારના સમયમાં ડીસામાં એરબેઝ બનાવવાની ફાઇલ દબાવી રખાઈ હતી, જેથી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત પ્રોજેક્ટોમાં વિલંબ થયો. કોંગ્રેસની નીતિ પહેલેથી લોકોને ભડકાવવાની રહી છે.
કોંગ્રેસ ફાયદો લેવા અફવા ફેલાવી લોકોની ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કરે છે. દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે, પરંતુ ભારતમાં સરકારે ભાવ સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ ભાજપ સરકારનાં કાર્યોને સ્વીકારી શકતી નથી, જેથી જ લોકોમાં ગેરસમજ ફેલાવી રહી છે. આ જ અંતર્ગત દિલ્હીની ગ્લોબલ AI સમિટમાં પણ કોંગ્રેસના નેતાઓએ ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદેશમાં ભારતની છબી ખરાબ કરવાનો આ હીન ઇરાદો છે.
વડાપ્રધાને અમદાવાદ શહેરનેે રૂ. 4640 કરોડના 32 વિકાસકાર્યોની ભેટ આપી
વડાપ્રધાન મોદીએ ડીસાથી AMCના રૂ. 4,640.12 કરોડનાં 32 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. જે અંતર્ગત અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં રૂ. 3,110.98 કરોડના 20 પ્રકલ્પો હાથ ધરાશે, જેમાં વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, હાઉસિંગ પ્રોજેક્ટ્સ તેમજ પાણી અને ગટર વ્યવસ્થાના આધુનિકીકરણનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રકલ્પોમાં રૂ. 1,061 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ (ફેઝ-2), BRTS-AMTS માટે રૂ. 467 કરોડની સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તેમજ નરોડાથી નારોલ સુધીના 14 કિ.મી. રોડના વિકાસના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

