ભુજઃ એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ દ્વારા કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર બાંધણી હસ્તકળા માટે બે ભાઈ અબ્દુલ જબ્બાર અને અબ્દુલ્લાહ ખત્રીના ‘પહલ’ શોથી પ્રેરિત બાંધણીના કારીગરો સાથે મળી સંવાદનું આયોજન કરાયું. આ સંવાદનો હેતુ બાંધણીના તમામ કારીગરો, ડિઝાઇનર્સ અને ડિઝાઇનના વિદ્યાર્થીઓને એક મંચ પર લાવવાનો હતો.
કાર્યક્રમના પ્રથમ દિવસે પ્રથમ સત્રનાં મુખ્ય વક્તા તરીકે ફેશન અને ટેક્સટાઇલ ડિઝાઇનર સુનિતા શંકર અને તેમની સાથે વરિષ્ઠ બાંધણી કારીગરો અલીમોહંમદ ઓસમાણ ખત્રી, ગુલામ હુસેન ઓસમાણ ખત્રી, અબ્દુલ હકીમ ખત્રી, સોનેજી અબ્દુલ અઝીઝ ઉમર, ઇમ્તિયાઝ મોહંમદ ઓસ્માન ખત્રી અને નસરીન ફયાઝ ખત્રી હાજર રહ્યાં હતાં. આ સાથે વરિષ્ઠ કારીગરો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા ‘પહલ’ પ્રદર્શનના કેટલોગનું વિમોચન કરાયું હતું.
બીજા દિવસના પ્રથમ સત્રના મુખ્ય વક્તાઓ તરીકે વર્લ્ડ શિબોરી નેટવર્કના સહસ્થાપક ડો. યોશિકો વાડા અને દિલ્હીની જાણીતી ફેશન બ્રાન્ડ 11:11ના સ્થાપક હિમાંશુ શાની રહ્યા હતા તેમની સાથે કચ્છ બાંધણીના સ્થાપકો અઝીઝ અને સુલેમાન ખત્રી, હમજા અબ્દુલમજીદ ખત્રી, ઇમરાન અનવર ખત્રી અને અબ્દુલવહાબ ખત્રી પેનલિસ્ટ તરીકે જોડાયા હતા.

