સુરતઃ સુરત જૈનસમાજમાં એક મોટો વિવાદ ગરમાયો છે. એક જૈન મુનિ સાગરચંદ્ર મહારાજ દ્વારા સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે મોટી સંખ્યામાં જૈનસમાજની મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી. આક્રોષિત મહિલાઓએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી મુનિ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. આ સાથે વડાપ્રધાન મોદી પાસે CBI તપાસની માગ પણ કરાઈ છે.
શારીરિક શોષણનો આક્ષેપ
મહિલાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા સાગરચંદ્ર મહારાજ સામે આક્ષેપ છે કે સંબંધિત જૈન મુનિ છેલ્લાં ઘણાં વર્ષોથી સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરી રહ્યા છે. મુનિ પર સંઘના લાખો-કરોડો રૂપિયાની ઉચાપતનો પણ આરોપ લગાવાયો છે. આટલા ગંભીર આક્ષેપો અને ફરિયાદો છતાં સંઘના ટ્રસ્ટીઓ કે શ્રેષ્ઠીઓ દ્વારા કોઈ પગલાં ન લેવાયા હોવાથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા ‘તપાગચ્છિય પ્રવર સમિતિ’ દ્વારા આ મુનિને અગાઉ જ સંઘથી બહિષ્કૃત કરી દેવાયા છે, છતાં તે હજુ વિવિધ સંઘોમાં સક્રિય છે.
જૈન મહિલાઓએ માગ કરી હતી કે, હાલ આ મુનિને તાત્કાલિક ઉપાશ્રયથી બહાર લાવવામાં આવે અને જૈનમુનિના પદથી હટાવી દેવાય. તેમની સામે અગાઉ થયેલી બે પોલીસ ફરિયાદો પર ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવે.

