ડો. જગદીશ ત્રિવેદી નિર્મિત 15મી માધ્યમિક શાળાનું પાટણમાં લોકાર્પણ

Wednesday 01st April 2026 07:03 EDT
 
 

પાટણઃ જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પંદરમી શાળા સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું લોકાર્પણ થયું હતું. સમીમાં આવેલા ભાસ્યા ગામમાં એટલે સ્વામી સચ્ચિદાનંદજીના વતન મુંજપુર પાસે 10 ઓરડાની આ માધ્યમિક શાળાનું જગદીશ ત્રિવેદીએ સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળા નામકરણ કર્યું હતું. ગાંધીઆશ્રમ, ઝીલિયા દ્વારા સંચાલિત આ શાળાનું સંચાલન પદ્મથી પુરસ્કૃત ગાંધીવાદી શિક્ષણશાસ્ત્રી માલજીભાઈ દેસાઈ અને એમની સંસ્થા કરશે.
95 વર્ષની વયે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી પોતે શાળાનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે જગદીશ ત્રિવેદીના કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરા ઉપસ્થિત રહ્યા હતા. શાળાને સ્વામી સચ્ચિદાનંદજી મહારાજનું નામ મળે એ શરતે જગદીશ ત્રિવેદીએ રૂ. 25 લાખનું દાન આપ્યું હતું. આ સાથે સ્વામીજીના 95મા જન્મદિને જગદીશ ત્રિવેદીએ તેમને રૂ. 95 હજારનો ચેક અર્પણ કર્યો, જે સ્વામીજીએ શાળાને અર્પણ કર્યો હતો.


comments powered by Disqus