ભુજ: વર્ષ 2001માં ભૂકંપથી ખુવાર થઈ ગયેલા કચ્છ જિલ્લાનો કુદરતી આફતો સામે જૂનો સંબંધ છે. વારંવાર કુદરતી આફતોથી ખુવાર થવું અને ફરી પાછું બેઠું થઈ જવું કચ્છ જિલ્લાની તાસીર રહી છે. જો કે એક જોખમ અંગે કોઈએ વિચાર્યું પણ નહીં હોય અને તે છે સુનામી. કચ્છનો ઇતિહાસ કહે છે કે ક્યારેક કચ્છ સુનામીની ઝપટે પણ ચડી ચૂક્યું છે, જેણે જિલ્લામાં ભારે કેર મચાવ્યો હતો.
મૂળ કચ્છ કાંઠાના ભૂવૈજ્ઞાનિક સહિત જાણીતા ભૂસ્તરશાસ્ત્રીઓએ લાંબા સંશોધન બાદ એક રિસર્ચ પેપર રજૂ કર્યું છે. આ રિસર્ચમાં તારણ સામે આવ્યું છે કે, કચ્છ જિલ્લામાં ભૂકંપ પેદા કરતી એક ફોલ્ટલાઇન તો સક્રિય છે જ, સાથોસાથ ઇરાન અને પાકિસ્તાની સમુદ્રકિનારામાં સક્રિય અન્ય એક ફોલ્ટલાઇનથી પણ પ્રભાવિત થઈ શકે છે. આ વિસ્તારોથી દરિયામાંથી પસાર થતી મકરાન સબડક્શન ઝોનની ફોલ્ટલાઇનમાં ભૂકંપ આવતાં કચ્છ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે, જે ઇતિહાસમાં એક વખત થઈ પણ ચૂક્યો છે.
કચ્છના મોટા રણની એક્ટિવ ભૂકંપ લાઇનમાં જે અલ્લાહબંધનો ફોલ્ટ સર્જાયો છે, તેમાં પણ મોટા ભૂકંપની શક્યતા છે. જો એમ થાય તો રણમાં સિંદરી લેક અને ખાસ કરીને ચોમાસા અને પછીના દિવસોમાં ભરાતાં પાણીમાં સુનામી સર્જાઈ શકે અને બન્ની, હાજીપીર, લુણા જેવાં ફોલ્ટના દક્ષિણના મોટા વિસ્તાર ત્રણ મીટર સુધી ડૂબી જાય તેવી ભીતિ છે. ઉપરાંત કચ્છ સહિતના દરિયાકાંઠાઓ પર પણ જળવાયુ પરિવર્તનની અસર તળે સમુદ્રની સપાટી ધીમી ગતિએ વધતી રહી છે ત્યારે કચ્છમાં સ્થાનિક સ્તરે અલગથી અદ્યતન સુનામી અર્લી વોર્નિંગ સિસ્ટમની જરૂરિયાત જોઈ શકાય છે.

