નર્મદા નદી પર ભૂકંપ અને પૂર પ્રૂફ 2.22 કિ.મી.નો બ્રિજ વાહનવ્યવહાર માટે શરૂ

Wednesday 01st April 2026 06:14 EDT
 
 

ભરૂચઃ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ તરીકે દિલ્હી-મુંબઈ એક્સ્પ્રેસ હાઇવે-4 પર નર્મદા નદી પર દેશનો પ્રથમ 8-લેન એક્સ્ટ્રા ડોઝડ બ્રિજ બનાવાયો છે. આશરે રૂ. 817 કરોડના ખર્ચે તૈયાર થનારા 2.22 કિ.મી. લાંબો આ બ્રિજ દેશનાં બે મુખ્ય આર્થિક કેન્દ્રોને ઝડપી અને સરળ રીતે જોડવામાં નિર્ણાયક સાબિત થયો છે. આ પ્રોજેક્ટમાં આશરે 32 હજાર મેટ્રિક ટન રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલનો ઉપયોગ કરાયો છે, જે વિશ્વપ્રસિદ્ધ બ્રૂકલિન બ્રિજ કરતાં અંદાજે 2.5 ગણો વધારે છે. 60 મીટરથી વધુ ઊંડા પાઇલ ફાઉન્ડેશન નખાયા છે, જેથી પૂરના ભારે પ્રવાહ અને ભૂકંપની સ્થિતિમાં પણ બ્રિજ સુરક્ષિત રહી શકે.
મુસાફરીનો સમય 10થી 12 કલાક સુધી ઘટ્યો
પ્રોજેક્ટ ડિરેક્ટર સંજયકુમાર યાદવે કહ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે દેશનો સૌથી લાંબો રોડ કોરિડોર છે, જે મુસાફરીનો સમય 10થી 12 કલાક સુધી ઘટાડશે. 2.22 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ ભારતીય એન્જિનિયરોની મહત્ત્વાકાંક્ષા અને મજબૂત ઇચ્છાશક્તિનો પુરાવો છે.
દિલ્હી-મુંબઈને જોડતા નેશનલ એક્સપ્રેસ-વે પર નર્મદા નદી પર બીજો એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ તૈયાર થઈ ગયો છે અને તેને અનૌપચારિક રીતે વાહનો માટે ખુલ્લો મૂકી દેવાયો છે. 8 લેનના બ્રિજને ખુલ્લો મૂકવાના કારણે વાહનોને ભરૂચ અને અંકલેશ્વર શહેર વચ્ચેનું અંતર ઘટી ગયું.


comments powered by Disqus