નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ઇરાન યુદ્ધનું સંકટ ઘેરું બની રહ્યું છે, ત્યારે છેલ્લા એક મહિનામાં જુદીજુદી ઘટનામાં 8 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1 ભારતીય લાપતા છે. વિદેશ મંત્રાલયના વધારાના સચિવ અસીમ આર. મહાજને જણાવ્યું હતું કે, કુવૈતમાં રવિવારે એક હુમલામાં એક ભારતીયનું મોત થયું હતું. આ ઘટનામાં ભારતીય મિશન દ્વારા મૃતકના પરિવારનો સંપર્ક સાધીને સંવેદના વ્યક્ત કરાઈ હતી.
આ ભારતીય મૃતકના મૃતદેહને ભારત લાવવા કામગીરી હાથ ધરાઈ હતી. સાઉદી અરેબિયાના રિયાધમાં 18 માર્ચે એક ભારતીયનું મૃત્યુ થયું હતું. 28મી ફેબુઆરીએ શરૂ થયેલા યુદ્ધ પછી અત્યાર સુધીમાં ગલ્ફથી આશરે 5.50 લાખ ભારતીયો ભારત પાછા આવ્યા હતા. સરકાર દ્વારા ઇરાન યુદ્ધની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ભારત દ્વારા તમામ દેશોને યુદ્ધ બંધ કરીને સંયમ જાળવવા અને વાતચીતથી સમસ્યા ઉકેલવા અનુરોધ કરાયો છે.
કુવૈતમાં ભારતીય દૂતાવાસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે, કુવૈતના ભારતીય દૂતાવાસે કુવૈતમાં ડિસેલિનેશન સુવિધા પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે કુવૈતના અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં રહીને શક્ય તમામ સહાય પૂરી પાડી છે. કુવૈતના વીજળી મંત્રાલયે પણ કુવૈતમાં ઘટના પર નિવેદન આપતાં કહ્યું હતું કે, કુવૈત સામે ઇરાની હુમલાના ભાગરૂપે પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટ ખાતે એક સર્વિસ બિલ્ડિંગ પર હુમલો કરાયો હતો. જેમાં એક ભારતીય કામદારનું મોત થયું હતું અને ઇમારતને નુકસાન થયું હતું.
ઇરાન તરફથી કુવૈત હુમલા અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરાઈ નથી. જો કે કુવૈતી સરકારને ટાંકીને સ્થાનિક મીડિયા કહે છે કે, પ્લાન્ટને નોંધપાત્ર નુકસાન થયું છે. પશ્ચિમ એશિયામાં લગભગ એક કરોડ ભારતીયો રહે છે. 24 માર્ચે યુએઈમાં અબુ ધાબીની શેરીઓ પર ઇન્ટરસેપ્ટર મિસાઇલનો કાટમાળ પડતાં એક ભારતીય સહિત 2 લોકો માર્યા ગયા હતા.

