ભારતની સૌપ્રથમ ડિજિટલ વસ્તીગણતરીનો પ્રારંભ

Tuesday 31st March 2026 07:03 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતમાં સૌપ્રથમ ડિજિટલ વસ્તીગણતરીનો બુધવારથી આરંભ થયો. આ વસ્તીવિષયક ડેટા એકત્રિત કરવાની અને તેના સંચાલનની પદ્ધતિમાં એક ધરખમ પરિવર્તન છે. 1 એપ્રિલથી દેશનાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થઈ રહેલા પ્રથમ તબક્કા દરમિયાન લોકોનાં ઘરોની નોંધણી કરાશે, આ સાથે ઘરોની ગણતરી પણ કરાશે. પ્રથમ તબક્કા દરમિયાન દેશના નાગરિકોને 33 પ્રશ્નો પૂછાશે, જેમાં તેમના ઘરની સ્થિતિ, તેઓ કઈ સ્થિતિમાં રહે છે? અને તેઓને જીવનજરૂરી સુવિધા ઉપલબ્ધ છે કે નહીં? જેવા વિવિધ પ્રશ્નો પૂછાશે.
રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે જણાવ્યું કે, ડિજિટલ વસ્તીગણતરી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા દરમિયાન નાગરિકોનાં ઘરોની માહિતી પર ભાર મુકાશે, અને બીજા તબક્કામાં વસ્તીગણતરી પર ધ્યાન કેન્દ્રિત કરાશે. નાગરિકોની ગણતરીમાં લોકોની જાતિ સહિતની વ્યક્તિગત માહિતીને પણ આવરી લેવાશે. આ તમામ ડેટા સૌપ્રથમવાર ઇલેક્ટ્રોનિક પદ્ધતિએ નોંધાશે.
વસ્તીગણતરીના આ ભગિરથ કાર્યમાં જોતરાયેલા અંદાજે 30 લાખ કર્મચારીઓ ગણતરીની સચોટતા અને ક્ષમતા પુરવાર કરવા એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરશે. આ એવી એપ્લિકેશન છે, જે 16 ભાષાને સપોર્ટ કરે છે અને ઇન્ટરનેટની કનેક્ટિવિટી વિના પણ કામ કરે છે, જેથી દેશના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકાશે. આ અંગે સેન્સસ કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે કહ્યું હતું કે, આ સેન્સસનો તમામ ડેટા ગુપ્ત રહેશે.


comments powered by Disqus