સુરતઃ હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ થકી વિશ્વભરમાં ડંકો વગાડનારા સુરતનો સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર સુરતના સોલાર ઉદ્યોગ પર પડી રહી છે. સુરતના ઉદ્યોગપતિઓ પાસે અત્યારે રૂ. 25 હજાર કરોડના ઓર્ડર પેન્ડિંગ છે, પરંતુ યુદ્ધના કારણે બદલાયેલાં વૈશ્વિક સમીકરણોએ આ ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા ચાવવા જેવું કામ બનાવી દીધું છે.
દેશના કુલ ઉત્પાદનનો 55 ટકા હિસ્સો
ભારતમાં સોલાર એનર્જી ક્ષેત્રે સુરત એક હબ તરીકે ઊભરી આવ્યું છે. સોલાર પેનલના અગ્રણી ઉદ્યોગપતિ ચેતન શેઠે જણાવ્યું હતું કે, ભારતમાં જેટલું પણ સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે, તેમાંથી 50 થી 55 ટકા જેટલું ઉત્પાદન માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં થાય છે. આ આંકડો દર્શાવે છે કે જો સુરતના ઉદ્યોગને આંચકો લાગે તો તેની અસર આખા દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો પર પડી શકે છે. યુદ્ધના કારણે આ વિશાળ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી અત્યારે અનિશ્ચિતતાનાં વાદળો નીચે ઘેરાયેલી છે.
રો-મટિરિયલની અછત
યુદ્ધની સૌથી મોટી અને તાત્કાલિક અસર સપ્લાય ચેઇન પર પડી છે. સોલાર પેનલ બનાવવા જરૂરી મહત્તમ રો-મટિરિયલ ચીન, વિયેતનામ, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે. યુદ્ધની સ્થિતિના કારણે દરિયાઈ માર્ગો પર જોખમ વધ્યું છે, જેના કારણે કાચા માલની આવક અનિયમિત થઈ ગઈ છ, જેથી ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી છે.
કન્ટેનરના ભાડામાં 400 ટકાનો વધારો
વૈશ્વિક અશાંતિને કારણે શિપિંગ ઉદ્યોગમાં ભાવવધારો આસમાને પહોંચ્યો છે. અગાઉ જે કન્ટેનરનું ભાડું 600 થી 900 ડોલરની આસપાસ રહેતું હતું, તે યુદ્ધના કારણે વધીને 3500 થી 4000 ડોલર સુધી પહોંચી ગયું છે. આ ચાર ગણા વધારાએ સુરતના મેન્યુફેક્ચરર્સની ગણતરી ઊંધી પાડી દીધી છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં થયેલો આ અસાધારણ વધારો સોલાર પેનલની અંતિમ કિંમત પર સીધી અસર કરી રહ્યો છે.
ઉત્પાદન ખર્ચમાં વધારો
ડોલરની મજબૂતી અને રૂપિયાનું અવમૂલ્યન સુરતના ઉદ્યોગકારો માટે પડ્યા પર પાટુસમાન છે. હાલમાં ડોલર 94-95 રૂપિયાની રેન્જમાં પહોંચી જતાં આયાત થતા રો-મટિરિયલની કિંમતમાં ધરખમ વધારો થયો છે. જેની સામે સુરતના સોલાર ઉદ્યોગ પાસે હાલમાં રૂ. 25 હજાર કરોડના ઓર્ડર છે, જે આગામી ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ કરવાના છે. સૌથી મોટી મુસીબત એ છે કે આ ઓર્ડર ‘ફિક્સ પ્રાઇસ’ એટલે કે અગાઉ નક્કી કરેલા ભાવે લેવાયા છે. આ સ્થિતિમાં ઉત્પાદકોએ નુકસાન ભોગવીને ઓર્ડર પૂરા કરવા પડશે.

