સત્તાધારમાં રોજ 10 હજાર યાત્રાળુનું ભોજન બાયોગેસથી તૈયાર થાય છે

Wednesday 01st April 2026 06:14 EDT
 
 

માણાવદરઃ જૂનાગઢ જિલ્લાના પ્રસિદ્ધ સત્તાધાર ધામે ધાર્મિક શ્રદ્ધા સાથે હવે ઊર્જા આત્મનિર્ભરતાનો અનોખો દાખલો રજૂ કર્યો છે. ‘અલખના ઓટલા’ તરીકે ઓળખાતું આ ધામ આજે વૈકલ્પિક ઊર્જાક્ષેત્રે ગુજરાતમાં આગેવાન બની ગયું છે. અહીં કાર્યરત્ બાયોગેસ પ્લાન્ટના આધારે રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન તૈયાર થાય છે. ધામમાં હાલ 85 ઘનમીટર પ્રતિદિવસ ક્ષમતા ધરાવતા 4 બાયોગેસ પ્લાન્ટ કાર્યરત્ છે, જ્યારે વધુ 2 પ્લાન્ટ સ્થાપિત થવાની પ્રક્રિયા ચાલુ છે.
આશરે એક હજાર ગાયોના છાણથી રોજ 8 હજાર કિલો કચરાનો ઉપયોગ કરી બાયોગેસ ઉત્પન્ન થાય છે. આ પહેલાં રસોઈ માટે દરરોજ 800-900 કિલો લાકડું અથવા 10-15 ગેસ સિલિન્ડર વપરાતાં હતાં, પરંતુ હવે સંપૂર્ણપણે બાયોગેસથી જ રસોડું ચાલે છે. રાજ્યમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા સંસ્થાકીય બાયોગેસ યોજના હેઠળ સહાય અપાય છે. છેલ્લાં 5 વર્ષમાં રાજ્યમાં 193 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થયા છે.


comments powered by Disqus