5 વર્ષનો માસૂમ બન્યો સિંહણનો કોળિયો, અમરેલીમાં એક મહિનામાં ત્રીજી ઘટના

Wednesday 01st July 2026 05:31 EDT
 
 

અમરેલીઃ ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે 24 જૂને રાત્રે એક કાળજું કંપાવી દેનારી કરુણ ઘટના સામે આવી, જ્યાં એક સિંહણે માત્ર 5 વર્ષના માસૂમ બાળક જિયાન દેવકુભાઈ સીધાને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવીને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોક અને ભય સાથે વનવિભાગ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલીમાં એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે.
દાદાની સાથે જતાં કાળ ત્રાટક્યો
ચતુરી ગામે રહેતો 5 વર્ષનો માસૂમ જિયાન તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જિયાન પર હુમલો કર્યો હતો અને દાદા કંઈ સમજે તે પહેલાં જ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. દાદાની મજબૂર ચીસો અને બાળકના આક્રંદથી આખું ગામ ગૂંજી ઊઠ્યું હતું.
ગામલોકોએ શોધખોળ કરી
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વહારે દોડ્યા હતા અને જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી. મૃતકના મામા દાનુભાઈ વઘોસીના જણાવ્યા અનુસાર વનવિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાને લાકડીઓ વડે હુમલો કરીને બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કમનસીબે ગામથી આશરે એક કિલોમીટર દૂરથી જિયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો.
સિંહની ઊલટીથી બાળકના અવશેષો મળ્યા
ACF કપિલ ભાટિયાએ જણાવ્યું હતું કે, તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા ચતુરી રેવન્યૂ વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની છે. 9 કલાકના મેગા ઓપરેશન બાદ 5 સિંહને વનવિભાગે રેસ્ક્યૂ કરી પાંજરે પૂર્યા હતા. તપાસમાં એક નર સિંહ દ્વારા કરેલી ઊલટીથી બાળકના અવશેષો મળ્યા છે, જેને તપાસઅર્થે મોકલાયા હતા. અન્ય પકડાયેલા સિંહોનાં પણ સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે.
4 સિંહ આજીવન પાંજરે પુરાશે
રાજુલાના કોવાયા ગામમાં પરપ્રાંતીય યુવક પર હુમલો કરી તેને ફાડી ખાનારા 4 સિંહોને જૂનાગઢના સક્કરબાગ ખાતે આજીવન કેદમાં રાખવાનો નિર્ણય લેવાયો છે. ઘટનાસ્થળની આસપાસથી લોકેશન ટ્રેસ કરી 4 સિંહોને પાંજરે પૂરી વનવિભાગ દ્વારા તેનાં સેમ્પલ લેવાયાં હતાં. લેબ રિપોર્ટમાં સિંહોએ માનવભક્ષણ કર્યાની પુષ્ટિ મળતાં ચારેય સિંહને આજીવન કેદમાં રાખવાનો નિર્ણય લેવાયો છે.


comments powered by Disqus