અમદાવાદ સિરિયલ બ્લાસ્ટની સુનાવણી પૂરી, આવતા મહિને ચુકાદો

Wednesday 01st July 2026 05:32 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસને 29 જુલાઈએ 18 વર્ષ પૂરા થવામાં છે. આ કેસમાં ફાંસી પામેલા 38 આરોપીઓના કન્ફર્મેશન કેસની સુનાવણી આખરે પૂર્ણ થઈ છે અને તેના ચુકાદા પર સૌની નજર છે. પરંતુ ખૂબ જ સંવેદનશીલ એવા સિરિયલ બ્લાસ્ટ કેસ તેની અનેક બાબતોને લઈને ચર્ચામાં રહ્યો છે.
સૌથી નોંધનીય વાત એ છે કે, ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં આ પહેલો એવો મોટો અને સંવેદનશીલ કેસ છે કે જેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠ સમક્ષ રોજેરોજ લગભગ દોઢ વર્ષ સુધી ચાલી હતી. આ કેસમાં 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને જન્મટીપની સજાનો પણ આ સૌથી મોટો અને પહેલો કેસ છે, જેમાં એકસાથે આટલા બધા આરોપીને ટ્રાયલ કોર્ટે ફાંસી કરી હોય અને તેનો કન્ફર્મેશન કેસ હાઇકોર્ટમાં ચાલ્યો હતો.
ચકચારભર્યા આ કેસમાં સૌથી નોંધનીય વાત એ છે કે, ફાંસીના આ કન્ફર્મેશન કેસમાં કેસના કાગળો અને દસ્તાવેજોના આશરે 8 લાખ પેજ છે. અદાલતી કેસમાં આટલા બધા થોકબંધ દસ્તાવેજો સાથેનો પણ આ સૌપ્રથમ કેસ મનાઈ રહ્યો છે. આમ ખૂબ જ મહત્ત્વના અને સંવેદનશીલ એવા આ કેસમાં તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થઈ જતાં જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠ દ્વારા આગામી મહિને ચુકાદો જારી કરાય તેવી શક્યતા છે.


comments powered by Disqus