નવી દિલ્હીઃ ઇરાનના આયાતુલ્લાહ સૈયદ મોજતબા ખામેનેઇએ ઈદ-ઉલ-અઝહાની શુભેચ્છાઓ માટે ભારતના વડાપ્રધાનનો આભાર માન્યો. ઈરાનના નવા સુપ્રીમ લીડરે ભારત વિશે પહેલી વખત વાત કરતાં લખ્યું કે, ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મને ઈદ-ઉલ-અઝહાના શુભ પ્રસંગે તમારો અભિનંદન સંદેશ મળ્યો. હું આ માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું અને તમને પણ અભિનંદન પાઠવું છું.
તેમણે આગળ લખ્યું હતું કે, મને વિશ્વાસ છે કે પરસ્પર આદર અને સહિયારાં હિતો પર આધારિત આપણા બંને દેશો વચ્ચેની ઐતિહાસિક મિત્રતા, આપણી સરકારોના પ્રયાસો દ્વારા વધુ મજબૂત અને વિસ્તૃત થશે. હું ભારત સરકાર અને ભારતના મહાન લોકોની સમૃદ્ધિ અને સતત સફ્ળતા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
ઇરાની સુપ્રીમ લીડરનો ભારતને શું સંદેશ છે?
ઇરાની સૂત્રો અનુસાર ઇરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ સૈયદ મોજતબા ખામેનેઇએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈદ અલ અઝહાની શુભેચ્છા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે અને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. ઇરાનના સર્વોચ્ચ નેતા બન્યા બાદ આ વાતચીત મોજતબા ખામેનેઇની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રથમ સીધી સત્તાવાર વાતચીત છે. નોંધનીય છે કે, મોજતબા ખામેનેઇ સર્વોચ્ચ નેતાનું પદ સંભાળ્યા પછી જાહેરમાં જોવા મળ્યા નથી. વૈશ્વિક મીડિયાએ દાવો કર્યો છે કે, તેઓ યુએસના હુમલામાં ઘાયલ થયા હતા.

