નડિયાદઃ કપડવંજ શહેરના ડમ્પિંગ સ્ટેશન નજીક ગેરકાયદે ધમધમી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે અચાનક બ્લાસ્ટ થયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ફેક્ટરીની ઈમારત પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા 6 શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બ્લાસ્ટથી 8થી 10 કિ.મી. સુધી ધરા ધ્રૂજી ઊઠી હતી. બ્લાસ્ટ અને આગ લાગતાં ઘટના સ્થળે દોડી આવેલ પોલીસ અને ફાયરબ્રિગેડ તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળની નીચે દબાયેલા 6 ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સારવારઅર્થે ખસેડાયા હતા. સૂત્રો મુજબ ઘણા સમયથી સત્તાવાળાઓની આંખમાં ધૂળ નાખીને ફેક્ટરી ચાલતી હતી.
