કેવડિયા કોલોનીમાં અધિકારીઓનાં મકાનો પર બુલડોઝર ફર્યાં

Wednesday 01st July 2026 06:00 EDT
 
 

કેવડિયા કોલોનીઃ નર્મદા જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ બનેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓને રહેણાક મકાન બનાવવાના હેતુથી સરકારી જમીન પર પ્લોટની ફાળવણી કરાઈ હતી. જો કે સરકારી અધિકારીઓએ તે સ્થળે રહેણાક મકાનના બદલે વ્યાપારિક હેતુથી હોમ સ્ટે અને ગેસ્ટ હાઉસ બનાવી દેતાં આ મામલો સરકાર સુધી પહોંચ્યો હતો અને ભારે હોબાળો થયો હતો.
રાજ્ય સરકાર દ્વારા આ મામલે એક્શન લેવાયા અને રવિવારે અધિકારીઓનાં વ્યાપારિક હેતુથી બનાવેલાં મકાનો પર 10 બુલડોઝર ફરી વળ્યાં હતાં. વર્ષ 2019માં રાજ્ય સરકાર દ્વારા ગરુડેશ્વર ખાતે આશરે 13 જેટલા ઉચ્ચ સરકારી અધિકારીઓને રહેણાક હેતુથી સરકારી જમીનમાં મોંઘાદાટ પ્લોટ ફાળવાયા હતા. જો કે, આ જમીન ફાળવણીમાં નક્કી કરાયેલા સરકારી નિયમો અને શરતોનો સરેઆમ ભંગ કરીને અહીં વ્યાપારિક હેતુથી આલીશાન બંગલા અને મકાનોનું બાંધકામ ખડકી દેવાયું હોવાનું સામે આવ્યું હતું. નિયમોના ઉલ્લંઘન મામલે સરકાર દ્વારા અગાઉ 13 પૈકી 6 પ્લોટ પરત ખેંચી લેવાયા હતા, કારણ કે 6 અધિકારીઓએ આ જમીન પર નિયત સમયમર્યાદામાં કોઈ બાંધકામ કર્યું નહોતું, જ્યારે બાકીના પ્લોટધારકો પૈકી 2 અધિકારીએ કોર્ટમાંથી સ્ટે મેળવેલો છે.


comments powered by Disqus