ગુજરાતનાં 14 શહેરોમાં ભારત ટેક્સી શરૂ, બે વર્ષમાં દેશના 500 ગામ-શહેરોમાં વિસ્તરશે

Wednesday 01st July 2026 05:34 EDT
 
 

ગાંધીનગરઃ સહકારી ધોરણે દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ભારત ટેક્સીનો અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યનાં 14 શહેરોમાં આરંભ થયો છે. મહાત્મા મંદિરમાં આ સર્વિસના લોન્ચિંગ સમયે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે બે વર્ષમાં દેશનાં 500 ગામ અને શહેરોમાં ભારત ટેક્સી દોડશે તેમ જાહેર કર્યું હતું.
અમૂલ અને ઈફ્કોના સફળ સહકારી મોડલ આધારિત આ પહેલથી ટુ-વ્હીલર, ઓટો રિક્ષા અને ફોર વ્હીલર ચલાવતા દેશના લાખો વાહન ચાલકોને ખાનગી એપ આધારિત કંપનીઓના શોષણથી મુક્તિ મળશે. ટેક્સી ચાલકો ડ્રાઇવર નહીં, પરંતુ માલિકો છે એમ કહેતાં અમિત શાહે ગ્રાહકોને સુરક્ષિત સવારી અને સૌની સમૃદ્ધિ વધશે એમ કહ્યું હતું. પ્રાઇવેટ કેબ ઓપરેટર્સ કંપનીઓ ડ્રાઇવરનું શોષણ કરતી હતી, કમિશનના નામે કમાણી પડાવી લેતી હતી અને સાંભળ્યા વગર રજિસ્ટ્રેશન બ્લોક કરી દેતી હતી. જો કે ભારત ટેક્સીમાં દેશભરના 7 લાખ સારથિ રૂ. 100ના શેર સાથે સહમાલિકો છે.
આ મોડેલ માત્ર ગ્રાહકોને વ્યાજબી ભાવે સુરક્ષિત સવારી જ નહીં પણ સન્માન, સુરક્ષા અને સમૃદ્ધિની ગેરંટી આપે છે. આ સેવાને મજબૂત બનાવવા NCFC, નાબાર્ડ, ઇફ્કો, કૃભકો અને અમૂલ જેવી સંસ્થાઓથી લઈને મેટ્રો, ST સહિતની પરિવહન સેવાઓ સાથે જોડાણ કરાયું છે. અમિત શાહે કહ્યું કે, ભારત ટેક્સી ભાડા પૂરતી સીમિત રહેશે નહીં, આવનારા દિવસોમાં સહકારી સંસ્થા અને તેના સભ્યોને સસ્તા દરે લોન પણ મળશે અને તેમના પરિવારના વીમાની ચિંતા પણ કરશે.


comments powered by Disqus