રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ભાજપના આગેવાન અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા તેમનાં નિવેદનોથી હંમેશાં ચર્ચામાં રહે છે. અગાઉ વસાવાએ આદિવાસીઓને વિદેશી દારૂ છોડીને દેશી દારૂ (મહુડા) પીવાની સલાહ આપી વિવાદ ઊભો કર્યો હતો. જ્યારે હવે રાજપીપળા ખાતે આયોજિત યુવાશક્તિ સંગમમાં સાંસદે નર્મદા જિલ્લાથી આવેલી યુવતીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, ગુજરાતમાં હવે યુવતીઓ પણ ઈ-સિગારેટ અને દારૂ-બિયર જેવાં દૂષણના રવાડે ચઢી છે. આ બાબત વાલીઓ માટે અને સમાજ માટે ચિંતાજનક છે.
રાજપીપળા ખાતે યુવાશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં યુવાનોને શિક્ષણ અને સંસ્કાર તરફ વાળવા અને વ્યસનમુક્ત કરવા આગેવાનોએ પ્રેરણા આપી હતી. દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ યુવા ધનને સંબોધન કરતાં કહ્યું હતું કે પશ્ચિમ સંસ્કૃતિની અસર હવે આદિવાસી વિસ્તારો સુધી પહોંચી છે. યુવકો જ નહીં હવે તો યુવતીઓમાં પણ નશીલા પદાર્થોનું વ્યસન વધી રહ્યું છે. યુવતીઓ પણ ઈ-સિગારેટ, દારૂ અને બિયરનો નશો કરે છે. યુવતીઓ ઘરેથી એવું કહીને નીકળે છે કે, બહેનપણી સાથે બહાર જાઉં છું અને બહાર જઈને બિયર-દારૂની પાર્ટી કરે છે. બર્થ-ડે પાર્ટીના નામે યુવતીઓ એકઠી થાય છે અને નશો કરે છે.
મુંબઈ જેવાં શહેરોથી આ વ્યસન હવે સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદ સુધી પહોંચ્યું છે. આવી બદીઓ સામે પોલીસ અને સરકારને રજૂઆત કરીને તેને રોકવી જોઈએ. આ માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે.

