ગુજરાતમાં લોકસભાની બેઠકો વધીને 39 અને વિધાનસભાની 273 બેઠકો થવાની સંભાવના

Wednesday 01st July 2026 05:34 EDT
 
 

ગાંધીનગરઃ દેશમાં આગામી સીમાંકન અને નારીશક્તિ વંદન અધિનિયમ-2023ના અમલીકરણની પ્રક્રિયા આગળ વધે તો ગુજરાતના રાજકીય નકશામાં 1975 બાદ ઐતિહાસિક ફેરફારો જોવા મળી શકે છે. આ પ્રક્રિયા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લોકસભાની 26 બેઠકો છે, તે સીમાંકન બાદ 39 કે 40 થઈ શકે છે, જ્યારે વિધાનસભાની 182 બેઠકો વધીને 273 થઈ શકે છે. સંભવિત સીમાંકનના કારણે અમદાવાદ, ગાંધીનગર અને સુરત શહેરની હાલ જે બેઠકો છે તેમાં વધારો થવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે. આ ઉપરાંત 10 બેઠકો એવી છે કે જેના મતદારોની સંખ્યાને જોતાં તેના ભાગ પડી શકે છે. ગુજરાત લોકસભા-વિધાનસભા બેઠકોના આગામી સમયમાં થનારા સંભવિત સીમાંકનને લઈ હાલ રાજ્ય ચૂંટણીપંચ અને વિવિધ જિલ્લા કલેક્ટર કચેરીમાં ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે.
અનેક લોકસભા બેઠક પર 20 લાખથી વધુ મતદાર
2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં કુલ 4.99 કરોડથી વધુ નોંધાયેલા મતદારો હતા. રાજ્યની 26 લોકસભા બેઠકોમાં સરેરાશ 19 લાખ મતદારો આવે છે, પરંતુ અનેક બેઠકોમાં આ સંખ્યા 20 લાખને પાર પહોંચી છે, જેથી આગામી સીમાંકનમાં મતવિસ્તારોનું પુનર્ગઠન લગભગ અનિવાર્ય મનાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર, પાટણ, ખેડા, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવી બેઠકો પર પણ 19થી 20 લાખ મતદારો છે. સરકારી સૂત્રો મુજબ ભવિષ્યમાં એક લોકસભા બેઠકદીઠ 12થી 15 લાખ મતદારોનું માપદંડ અપનાવાશે તો હાલની ઘણી બેઠકોને વિભાજિત કરવી પડશે.
વિધાનસભામાં 91 બેઠકોનો વધારો?
જાણકારોના મતે નવા સીમાંકન બાદ વિધાનસભાની બેઠકો 182થી વધીને 273 થઈ શકે છે. એટલે કે લગભગ 91 નવી બેઠકો ઉમેરાઈ શકે છે. સંભવિત ગણતરી મુજબ અમદાવાદ જિલ્લામાં હાલની 21 બેઠકો વધીને 29 સુધી પહોંચી શકે છે. સુરતમાં 16થી 18; વડોદરામાં 10; બનાસકાંઠા અને રાજકોટમાં 8-8; મહેસાણા, આણંદ અને ભાવનગરમાં 7-7 બેઠક થવાની શક્યતા છે. કચ્છ, ખેડા અને દાહોદમાં 6-6 તથા ગાંધીનગર, પંચમહાલ, ભરૂચ, વલસાડ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 5-5 બેઠકો ઉમેરાઈ શકે છે.


comments powered by Disqus