વાંસદાઃ ડાંગ જિલ્લાના વઘઈ ગામનો અને હાલ વલ્લભવિદ્યાનગર ખાતે બી.ટેક. (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી)ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા 18 વર્ષના સાઇબર સુરક્ષા સંશોધકને અમેરિકન અવકાશ સંસ્થા NASA તરફથી આંતરરાષ્ટ્રીય સન્માન મળતાં ડાંગ જિલ્લો ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
18 વર્ષીય હેત દિપ્તેશ પટેલે ઇન્ડિપેન્ડન્ટ સિક્યુરિટી રિસર્ચર તરીકે કાર્ય કરી NASAની સિસ્ટમમાં એક મહત્ત્વપૂર્ણ સુરક્ષા ખામી શોધી કાઢી હતી, ત્યારબાદ તેણે NASA સંસ્થાને જાણ કરી હતી. હેતના આ જવાબદાર અને વ્યવસાયિક અભિગમની કદર કરતાં NASA દ્વારા તેને સત્તાવાર પ્રશંસાપત્ર એનાયત કરાયો છે. ઉપરાંત તેના યોગદાનને માન્યતા આપતાં NASAના હોલ ઓફ ફેમમાં પણ તેનું નામ સ્થાન પામ્યું છે. હેત પટેલે પોતાનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ ડાંગ જિલ્લામાં પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ માટે વલ્લભવિદ્યાનગર ખાતે પ્રવેશ મેળવ્યો હતો. હાલમાં તે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વલ્લભવિદ્યાનગર ખાતે બી.ટેક.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. NASA તરફથી મળેલું આ સન્માન હેત પટેલની પ્રતિભા, મહેનત, ટેકનિકલ કુશળતા અને જવાબદાર અભિગમનું જીવંત પ્રતિબિંબ છે.

