ધુવારણ પાસે ‘બદલપુર-કારેલા બેરેજ કમ બ્રિજ’ આકાર લેશેઃ ખારાશનો પ્રશ્ન કાયમી હલ થશે

Wednesday 01st July 2026 06:00 EDT
 
 

આણંદઃ ગુજરાત સરકારે આણંદ જિલ્લામાં મહી નદી પર ધુવારણ પાસે ‘બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ’ના નિર્માણ માટે અંદાજિત રૂ. 1700 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે 4.5 કિલોમીટરની પહોળાઈ ધરાવતા મહી નદીના પટમાં વચ્ચે બે કિલોમીટરની લંબાઈના બ્રિજનું સ્ટ્રક્ચર બનાવીને નદીના વહેણને નિયંત્રિત કરવા અને પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય તે માટે અંદાજિત 70 દરવાજા મુકાશે. જ્યારે બાકીના વિસ્તારમાં પ્રોટેક્શન બંધ બનાવાશે. આ પ્રોજેક્ટમાં પૂર નિયંત્રણ ટેક્નોલોજી અને મજબૂત ક્રોસ-વે સિસ્ટમનો ઉપયોગ કરાશે, જેથી ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં પણ વાહનવ્યવહાર અને પાણીનો સંગ્રહ સુરક્ષિત રહી શકશે.
આ યોજનાની વિશેષતા તેની વિશાળ જળસંગ્રહ શક્તિ છે. બેરેજનું નિર્માણ થવાથી અંદાજે 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકાશે. દરવર્ષે મહી નદીનું લાખો લિટર મીઠું પાણી દરિયામાં વહી જતું હતું, તેને આ બેરેજ દ્વારા રોકી શકાશે. હાલમાં આ વિસ્તારના લોકોના પીવાનાં પાણીનો મુખ્ય આધાર કડાણા ડેમ છે, પરંતુ આ બેરેજનું નિર્માણ થવાથી કડાણા ડેમ પરની નિર્ભરતા ઘટશે અને આ સંગ્રહિત પાણી આસપાસના વિસ્તારો માટે આશીર્વાદરૂપ બનશે. હાલમાં આ વિસ્તારમાં દરિયાનું પાણી સીંધરોટ વીયર સુધી એટલે કે અંદાજિત 50 કિ.મી. સુધી અંદર આવી જાય છે. લાંબા સમયથી દરિયાઈ ભરતીના કારણે આ જમીનોમાં ખારાશ એક મોટી સમસ્યા છે. આ બદલપુર બેરેજના નિર્માણથી મીઠા પાણીનો મોટો સંગ્રહ થવાના કારણે જમીનની ખારાશનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઈ જશે. તેના પરિણામે આશરે 16 હજાર હેક્ટર વિસ્તારને સીધો લાભ થશે. જમીનમાંથી ખારાશ ઘટતાં ખેડૂતો વર્ષમાં બહુવિધ પાક લઈ શકશે, જેનાથી સ્થાનિક કૃષિક્ષેત્રે એક નવી હરિયાળી ક્રાંતિ આવશે અને જમીનની ફળદ્રુપતા પુનઃ જીવંત થશે.
આ યોજનાથી કેટલો લાભ થશે?
આણંદ જિલ્લાનાં 42 ગામો, વડોદરા જિલ્લાનાં 30 ગામો, ભરૂચ જિલ્લાનાં 8 ગામો મળી અંદાજે 80 જેટલાં ગામોના 15 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડી શકાશે. આ પ્રોજેક્ટના પરિણામે માત્ર પાણીનો સંગ્રહ જ નહીં થાય, પરંતુ એક મહત્ત્વપૂર્ણ કનેક્ટિવિટી બ્રિજ તરીકે પણ તે કામ કરશે. આ ઉપરાંત ખંભાત અને તારાપુરથી જંબુસર અને દહેજ ઓદ્યોગિક વસાહત વચ્ચેના વાહનવ્યવહારના અંતરમાં અંદાજે 75 કિલોમીટરનો ધરખમ ઘટાડો થશે. આ અંતર ઘટવાથી દરરોજ હજારો લિટર ફ્યૂઅલની બચત થશે અને સમય પણ બચશે. ઉદ્યોગોથી ધમધમતા દહેજથી ખંભાત-તારાપુર પટ્ટા વચ્ચે માલસમાનની હેરફેર ઝડપી બનતાં વેપાર-ઉદ્યોગને પણ મોટો વેગ મળશે. આણંદનાં 152, વડોદરાનાં 164 અને ભરૂચનાં
81 મળીને 409 ગામો અને 32 તળાવને
આ યોજનાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
લાભ મળશે.


comments powered by Disqus