ભગવાન શ્રી રામના ધામમાં ધાડઃ દાતાઓ સાથે દ્રોહ, શ્રદ્ધા પર કુઠારાઘાત

Tuesday 30th June 2026 14:14 EDT
 
 

અયોધ્યા: લાખો-કરોડો સનાતની હિન્દુઓની આસ્થાના કેન્દ્રબિન્દુ સમાન ભગવાન શ્રી રામનું મંદિર છેલ્લા ત્રણ સપ્તાહથી અલગ જ કારણસર સમાચારમાં છે. ભગવાન શ્રી રામના ચરણોમાં ચઢાવાતી રોકડ તેમજ સોના-ચાંદીની મૂલ્યવાન ભેટોની મંદિરના કેટલાક કર્મચારીએ ચોરી કર્યાના અહેવાલથી રામભક્તોએ આઘાતની લાગણી અનુભવી છે. દેશભરમાં હોબાળો મચ્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય તેમજ અન્ય ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાને તેમના હોદ્દા પરથી રાજીનામા આપવા ફરજ પડી છે. આ કરતૂતની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી - ‘સીટ’)ના રિપોર્ટના આધારે મંદિરના આઠ કર્મચારીની ધરપકડ કરાઇ છે.
દાન ચોરીનાં કેસમાં તમામ 8 આરોપીઓને સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરાતાં તમામને 13 જુલાઈ સુધી રિમાન્ડ પર સોંપ્યા છે. અયોધ્યાનાં વકીલોએ કોઈપણ આરોપીનો કેસ નહીં લડવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ચંપત રાયની પોલીસ દ્વારા સઘન પુછપરછ કરાઈ છે અને કેટલાક દસ્તાવેજો જપ્ત કરાયા છે. પૂછપરછમાં પૈસાની ગણતરી, સુરક્ષા વ્યવસ્થા, દાનની પ્રોસેસ અને અન્ય મુદ્દાઓ પર સવાલો કેન્દ્રસ્થાને હતા. ‘સીટ’ દ્વારા આ કેસમાં જુદાં-જુદાં પાસાની તપાસ કરાઇ રહી છે.
કેસ સંદર્ભે ડો. અનિલ મિશ્રા, ગોપાલ રાવ સહિતના 80 લોકોને નોટિસ અપાઇ છે. લગભગ 140 સાક્ષીઓનું નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
છઠ્ઠી જૂને રામ મંદિરમાં દાન અને ચઢાવાની રકમની ચોરીનો મામલો સામે આવ્યો હતો. આ પછી યોગી સરકાર દ્વારા તપાસ કરવા ‘સીટ’ રચાઈ હતી. ત્રણ સભ્યોની ‘સીટ’માં લખનઉના વિભાગીય કમિશનર વિજય વિશ્વાસ પંત, આઇજી કિરણ એસ. અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતનની બનેલી ‘સીટ’ તપાસમાં જણાયું હતું કે કેટલાક કર્મચારીઓ દ્વારા ભેટ અને ચઢાવાની રકમની ચોરી કરાઈ હતી. એવું મનાય છે કે દાનની રકમની ચોરીનાં મામલે દરેક તબક્કે વિલંબ કરાયો હતો જેથી મહત્વનાં પૂરાવા સગેવગે કરી શકાય.
સંપત્તિમાં 100 ગણો વધારો
પોલીસે આઠેય આરોપીઓને ત્યાં દરોડા પાડીને પુરાવા એકઠા કર્યા છે. કેટલાક આરોપીઓની સંપત્તિમાં તો 100 ગણો વધારો નોંધાયો છે. મોંઘી જમીનો, હોટેલ વગેરેની ખરીદી કરાઇ છે. 12,000 રૂપિયાના પગારદાર કર્મચારીએ 25 લાખ રૂપિયાનું મકાન ખરીદયું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. તો કેટલાકે ચોરીના પુરાવા ન મળે તે માટે મોબાઇલના તમામ ડેટા ડિલિટ કરી દીધા છે. રામ મંદિરમાં આવેલા દાનમાંથી કરોડો રૂપિયા, જ્વેલરી, સોનું વગેરેની ચોરી કરાઇ છે. જેમાંથી આરોપીઓએ મોંઘા ભાવની જમીનો, રહેણાંક માટેના પ્લોટ, હોટેલ પણ ખરીદ્યા છે. એવા અહેવાલો છે કે આ ચોરી એક જુથ દ્વારા કરાઇ હતી. જોકે ચોરીના નાણા વહેચવા મુદ્દે તકરાર થતા બે ફાંટા પડી ગયા તેથી મામલો બહાર આવ્યો હતો. હાલ ‘સીટ’ દ્વારા 30 લોકોની પૂછપરછ કરાઇ રહી છે.
ટ્રસ્ટના મહાસચિવ
ચંપત રાયનું રાજીનામું
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાએ નૈતિકતાના ધોરણે પોતપોતાના પદો પરથી રાજીનામાં આપી દીધાં છે. દાનચોરીના આરોપો વચ્ચે બંને પર રાજીનામા માટે દબાણ હતું. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલનયન દાસે આ મામલે કહ્યું કે તેમને હાલની સ્થિતિ વિશે કોઈ માહિતી નથી.

વિપક્ષને તટસ્થ તપાસ સામે શંકા
આ મામલે એફઆઇઆર બાદ પોલીસ તપાસ તેજ થઇ ગઇ છે, પરંતુ એફઆઇઆરમાં કોઇ મોટા પદાધિકારીનું નામ ન હોવાના મુદ્દે વિપક્ષી દળો સવાલો ઉઠાવી રહ્યા છે અને તપાસની નિષ્પક્ષતા પર શંકા વ્યક્ત કરે છે. જોકે પોલીસનું કહેવું છે કે પુરાવાઓના આધારે આગળ પણ જરૂરી કાર્યવાહી કરાશે. મામલાની નિષ્પક્ષ અને પારદર્શી તપાસ ચાલુ છે. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ જણાવ્યું છે કે સનાતન ધર્મનો અનાદર કરનાર કોઈને છોડાશે નહીં.
આઠ આરોપીઓ અને તેમની ભૂમિકા
‘સીટ’ના રિપોર્ટ પછી આરોપીઓ પાસેથી રોકડ પકડાવા માંડી છે. અત્યાર સુધીમાં 70 લાખ જપ્ત કરાયા છે. ‘સીટ’ને તપાસમાં મંદિરને મળેલા દાન તેમજ ચઢાવાની કરોડોની રકમની ચોરી કરાયાનું તેમજ કમિશનખોરીનાં પુરાવા મળ્યા હતા. ‘સીટે’ ચંપતરાય, અનિલ અને ગોપાલ રાવની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. જોકે આમાંથી કોઇના નામ એફઆઇઆરમાં નથી.
• રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ: તે ચંપત રાયની એકદમ નજીકનો માણસ છે અને મંદિરની દરેક વ્યવસ્થામાં તેની દખલગીરી રહેતી હતી. ચઢાવાની ગણતરી પ્રક્રિયાની દેખરેખ તેના જ હાથમાં હતી અને દાન ગણતરી રૂમની ચાવી પણ તેની પાસે જ રહેતી હતી. તેણે જ પોતાના સગાંને રોકડ ગણવાના કામે લગાવ્યા હતા.
• સુભાષ શ્રીવાસ્તવ: દાન ગણતરી ઇન્ચાર્જ હતો. ચઢાવાની ગણતરીની આખી પ્રક્રિયા તેની જ દેખરેખ હેઠળ થતી હતી.
• અનુકલ્પ મિશ્રા: ચંપત રાય સાથે ગાઢ ઘરોબો ધરાવતા ટ્રસ્ટી અનિલ મિશ્રાનો સંબંધી અને લવકુશનો બનેવી છે. તેની ડયુટી ચઢાવાની ગણતરીમાં રહેતી હતી. દાન ચોરીની રકમ તેના ઘરેથી મળી છે.
• લવકુશ મિશ્રા: તે પણ અનિલ મિશ્રાનો સંબંધી અને અનુકલ્પનો સાળો છે. તેની ડયુટી પણ દાનની ગણતરીમાં હતી અને તેના ઘરેથી પણ દાન ચોરીના પૈસા મળી આવ્યા છે.
• મનીષ યાદવ: મુખ્ય આરોપી ટિન્નુ યાદવનો ભત્રીજો છે. તે પણ દાન ગણતરીની પ્રક્રિયામાં સામેલ હતો અને તેની પાસેથી પણ દાન ચોરીની રકમ મળી આવી છે.
• અવિનાશ શુક્લા: તેની ડયુટી પણ દાનની ગણતરીમાં લાગતી હતી. તેના બેંક ખાતામાંથી પાંચ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હોવાની ચર્ચા હતી.
• કરુણેશ પાંડે: અનુકલ્પ અને લવકુશ સાથે મળીને દાન ચોરીના આખા કાવતરામાં સામેલ હતો.
• રમાશંકર મિશ્રા: તે પણ અનુકલ્પ અને લવકુશ સાથે આ આખા કાવતરામાં સંડોવાયેલો હતો.

કરોડો રૂપિયાની ચોરીનો અંદાજ
‘સીટ’ દ્વારા બે અઠવાડિયામાં તપાસ પૂરી કરાશે. દાનની અને ચઢાવાની ચોરીની રકમનો આંકડો રૂ. 200 કરોડથી રૂ. 1400 કરોડ સુધીનો હોઈ શકે છે. ‘સીટ’ દ્વારા 150 પાનાનો રિપોર્ટ સરકારને સુપરત કરાયો છે. આ વચગાળાનો રિપોર્ટ હોવાથી ચોરી તેમજ અન્ય બાબતોની તપાસ ચાલુ રહેશે. ‘સીટ’ દ્વારા રામ મંદિરનાં ટ્રસ્ટમાં બદલાવ કરવા અને પ્રોફેશનલ સીઇઓની નિયુક્તિ કરવા ભલામણ કરાઇ છે. સાથે સાથે જ દાનની રકમ ગણવાની યોગ્ય પદ્ધતિ અપનાવીને તેનું ઓડિટ કરવા સૂચન કરાયું છે. સીસીટીવી કેમેરાનું ડેટા સ્ટોરેજ વધારીને 180 દિવસ કરવા સૂચન કરાયું છે. અહેવાલ પ્રમાણે, ‘સીટ’ને તપાસમાં ચંપત રાય, અનિલ મિશ્રા તેમજ ગોપાલ રાવની સંડોવણી હોવાનું અને તેઓ પણ પૈસા સગેવગે કરવામાં સામેલ હોવાનું જણાયું હતું.
કેટલાક અધિકારીઓની બેદરકારી બહાર આવી હતી. ખાસ કરીને ચંપતરાયનાં નિકટનાં ટિનુ યાદવ અનિલ મિશ્રા તેમજ ગોપાલરાવનાં સગા સામે શંકાની સોય તકાઈ છે.

‘સીટ’ની તપાસના પ્રાથમિક તારણો
• દાનની ચોરીમાં 25થી 30 લોકોની સામેલગીરી
• અનિલ મિશ્રા પર 40 ટકા કમિશનનો આરોપ
• મંદિરમાં સવા વર્ષ સુધી દાનની ચોરી ચાલી
• મંદિરની દાનપેટીમાંથી નિયમિત પૈસા સગેવગે થતા હતા
• મહાકુંભ તેમજ માઘ મેળામાં સૌથી વધારે પૈસા સગેવગે કરાયા
• પકડાયા પહેલાના મહિનામાં સૌથી વધુ મોટી રકમની ચોરી કરાઈ
• કર્મચારીઓની નિયુક્તિમાં ભાઈભત્રીજા વાદ, એકથી વધુ વ્યક્તિની ચોરીમાં સંડોવણી.
• પૈસા ગણતરીની કામગીરીમાં ખામીનો ગેરલાભ ઉઠાવાયો
• નિયુક્તિમાં અને પૈસાની ગણતરીમાં ટિન્નુની મુખ્ય ભૂમિકા
• બેન્ક દ્વારા પૈસા ગણવા આઉટસોર્સિંગથી માણસો રખાયા હતા
• પૈસા ગણનારા મોટા પદાધિકારીઓના સગા કે ઓળખીતા
• ટિન્નુ દ્વારા જ 35થી 40 લોકોને નોકરીમાં રખાયા
• ગણતરી વખતે જ પૈસા સગેવગે કરાતા હતા
-------------


comments powered by Disqus