રૂ. 39 લાખની કિંમતની જૂની રૂ. 500ની ચલણી નોટ જપ્ત

Wednesday 01st July 2026 05:32 EDT
 
 

અમદાવાદઃ કેન્દ્ર સરકારે રૂ. 500 અને રૂ. 1000ની જૂની નોટો ચલણથી પરત ખેંચ્યાને દસ વર્ષ વીતી ગયા હોવા છતાં આ પ્રતિબંધિત નોટોનો વેપલો હજુ બંધ થયો નથી. શુક્રવારે રામોલમાં પોલીસે રૂ. 39 લાખની કિંમતની જૂની રૂ. 500ના દરની કુલ 7800 નોટ સાથે બે શખ્સની ધરપકડ કરી છે. આ જથ્થો મુંબઈથી લાવી ગાંધીનગરમાં એક વ્યક્તિને સોંપવાનો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના રબારી કોલોની ચારરસ્તા પાસે બે લોકો મોટા પ્રમાણમાં પ્રતિબંધિત રૂ. 500ની નોટો સાથે આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે બંનેને રોક્યા હતા. તેમની બેગમાંથી રૂ. 500ના દરની 7,800 નોટો મળી આવી હતી. પોલીસે આ નોટો જપ્ત કરી ભરતસિંહ પ્રાગજી મહીડા અને મેરાજુદ્દીન જમીલખાનને ઝડપ્યા છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, બંનેએ આ નોટો મુંબઈના આયાનુદ્દીન પટવે પાસેથી મેળવી હતી અને તેને ગાંધીનગરના શૈલેશ પટેલ સુધી પહોંચાડવાની હતી, જે બંને હાલ ફરાર છે.
જૂની નોટોનું પ્રિન્ટિંગ કેમિકલથી સાફ કરી તેના પર નવી કરન્સીનું પ્રિન્ટિંગ કરી માર્કેટમાં ફરતી કરી શકાય. નોટબંધી પછી પ.બંગાળના માલદા અને બાંગ્લાદેશ બોર્ડર પરથી નકલી નોટો જપ્ત કરાઈ હતી, જે સામાન્ય કાગળ પર નહીં પણ બીજી અસલી નોટોના કાગળને કેમિકલ વોશ કરીને બનાવાઈ હતી.


comments powered by Disqus