વડોદરાઃ વાઘોડિયા ચોકડી પાસે રાત્રે બાઇક પર આવેલા બે શખ્સો કારમાં બેઠેલા કાપડના વેપારી આશિષ મદનલાલ બાકોલિયા પર ફાયરિંગ કર્યું. આ બંને શાર્પશૂટરને ઝડપી પાડવા માટે પોલીસે દોડાદોડી શરૂ કરી છે. આશિષ બાકોલિયા ચાર મહિનાથી વાઘોડિયા રોડ પર કપડાંની દુકાન ભાડેથી ચલાવે છે. રાત્રે દુકાન બંધ કરી પોતાની કાર લઈ તેઓ ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા ચોકડી પર તેમની કાર ધીમી પડતાં એક બાઇક પર બે શખ્સો આવ્યા હતા, જે પૈકી પાછળ બેઠેલા શખ્સે આશિષભાઈ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં આશિષભાઈને જમણા ખભા પર ગોળી વાગી હતી. ફાયરિંગ કરનારા બંને શખ્સો પૈકી ચાલકે હેલમેટ પહેરી હતી, તેમજ ફાયરિંગ કરનારા શખ્સે મોઢા પર માસ્ક પહેર્યું હતું.
