સુરત સહિત અન્ય જિલ્લાઓમાં આખરે વરસાદનાં શ્રીગણેશ

4 ઇંચ વરસાદમાં સુરત જળબંબાકારઃ ખેડૂતોની આતુરતાનો અંત

Wednesday 01st July 2026 05:35 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને સત્તાવાર રીતે ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ, આ વર્ષે ચોમાસું 24 જૂને બેસ્યું હતું. મોડું બેસ્યા બાદ પણ દક્ષિણ ગુજરાતમાંથી આગળ ન વધતા જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે.
સુરતમાં વરસાદ
સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. સોમવાર રાતથી જ વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડા જેવા ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સુરતમાં મોડી રાતથી સવાર સુધીમાં 2 ઇંચ અને સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં વધુ 2 ઇંચ મળી કુલ 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડતાં સમગ્ર સુરતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
તંત્રની બેદરકારી બની લોકોની હાલાકી
મોટા વરાછા વિસ્તારમાં આવેલા હેવન રિવરફ્રન્ટ રોડ પર થોડા સમય પહેલાં જ કરોડો રૂપિયાના બજેટથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરાઈ હતી, પરંતુ લાઇન નાખ્યા બાદ રોડના રિપેરિંગ અને પુરાણમાં રખાયેલી ઘોર બેદરકારીને કારણે સોમવાર રાતથી મંગળવાર સવાર સુધીમાં 400 મીટરનો રસ્તો પત્તાના મહેલની જેમ બેસી ગયો હતો.
અન્ય જિલ્લાઓમાં પણ વરસાદનાં શ્રીગણેશ
સોમવાર રાતથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે. જે અંતર્ગત સુરત ઉપરાંત આણંદ, નવસારી, અમરેલી, જૂનાગઢ, ઉના અને તાપી સહિતના પંથકોમાં પણ વહેલી સવારથી વરસાદ શરૂ થતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે. આ વર્ષે રાજ્યમાં જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આ વર્ષે જૂન મહિનામાં 19.9 મિ.મી. વરસાદ થયો છે, જે સામાન્ય રીતે 110.8 મિ.મી. હોવો જોઈએ.


comments powered by Disqus