મોરબીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ શાસક પક્ષ દ્વારા તબક્કાવાર રીતે 5 મુખ્ય પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. જેમાં મેયરપદ માટે યુપીએસસીની તૈયારી કરતા 26 વર્ષના યુવકની પસંદગી કરાતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.
મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમ મેયર બનવાનું બહુમાન મેળવનાર ઉત્તમ સુરાણી માત્ર 26 વર્ષના છે અને તેઓ ગુજરાતના સૌથી નાની ઉંમરના મેયર બન્યા છે. બીએસસી કેમિસ્ટ્રી સુધી ભણેલા આ યુવાન 2 વર્ષથી યુપીએસસી અને જીપીએસસી જેવી સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે.
પોતાની વરણી બાદ ઉત્તમ સુરાણીએ જણાવ્યું કે, મહાપાલિકાના તમામ સભ્યોને સાથે રાખીને શહેરના પ્રશ્નો ઉકેલવામાં આવશે અને જનસુવિધામાં વધારો કરવા માટે પ્રયાસો કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી મહાપાલિકાની તમામ 52 બેઠકો પર એકતરફી વિજય મેળવ્યો હોવાથી અહીં વિપક્ષ જેવું કોઈ અસ્તિત્વ જ નથી.

