એક આંબા પર એકસાથે 14 જાતની કેરી

Wednesday 03rd June 2026 06:40 EDT
 
 

અમરેલીઃ સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરી, આફૂસ કેરી, લંગડો કેરીનો સ્વાદ માણતા હોય છે, ત્યારે એ જાણીને આશ્ચર્ય થશે કે આવી કેટલાય પ્રકારની કેરીઓ એક જ આંબાના વૃક્ષ પર આવે છે. એક કેરીના વૃક્ષ પર એકસાથે 14 પ્રકારની કેરી લોકોએ ક્યારેય જોઈ પણ નહીં હોય.
ધારીના દિતલા ગામના ખેડૂત ઉકાભાઈ એક આંબાના વૃક્ષ પર અલગ અલગ કલમો ચડાવીને એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીનું ઉત્પાદન લઈ રહ્યા છે. એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરી પકવનારા પ્રગતિશીલ ખેડૂતે ખુટા કલમથી આમ્રપાલી, નીલમ, દશેરી, બેગમ, નિલેશાન નામની કેરીની જાત વિકસાવી છે. ખેડૂત ઉકાભાઈને મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આ વિચાર આવ્યો હતો. આજે ઉકાભાઈ પાસેથી અન્ય તાલુકા મથકના ખેડૂતો પણ પ્રેરણા લેવા આવી રહ્યા છે.
બાગાયતી પાકોમાં આ એક જ આંબાના ઝાડ પર 14 કેરીઓ પાકે તે નવાઈ સાથે અદભુત કિસ્સો માનવામાં આવ્યો છે. આમ તો નાળિયેરો, ગુલાબીયો, દાડમો, સિંદુરીયો, કાળો જમાદાર, વરિયાળીયો, સરદાર, પાયલોટ, આષાઢીયો જેવી કેરીઓની 200 જાત નવાબ કાળમાં હતી, જે પૈકી હવે માત્ર કેસર કેરી જ જોવા મળે હોય અને અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે. આવી લુપ્ત થઈ જનારી કેરીઓ ખેડૂત ઉકા ભટ્ટીએ પોતાના વૃક્ષમાં આલબમની જેમ સાચવી રાખી છે.


comments powered by Disqus