ગાંધીધામ: પશ્ચિમ રેલવેના ડીઆરએમ વેદપ્રકાશના અધ્યક્ષસ્થાને ડીઆરયુસીસીની બેઠકમાં કચ્છના રેલવેના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ બેઠક દરમિયાન કચ્છના રેલવેના પ્રોજેક્ટ અંગે પણ ચર્ચા કરાઈ હતી. કચ્છ દેશનાં મહત્ત્વપૂર્ણ બંદરો, મીઠા ઉદ્યોગ, ખનિજ, લોજિસ્ટિક્સ અને રાષ્ટ્રીય સુરક્ષા દૃષ્ટિએ અતિ મહત્ત્વપૂર્ણ વિસ્તાર હોવા છતાં રેલવે સુવિધાઓના અનેક પ્રશ્નો વર્ષોથી પડતર હોવાનું ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.
કચ્છમાંથી પશ્ચિમ રેલવેને આવકના દૃષ્ટિકોણે ગાંધીધામ રેલવે સ્ટેશનનું અગ્રસ્થાન હોવા છતાં અહીં આધુનિક સુવિધાનો અભાવ હોવાની રજૂઆત કરાઈ હતી. બેઠક દરમિયાન અમદાવાદના વટવા ખાતે 100 લાઇનના કોચિંગ હબ તેમજ ગાંધીધામ ખાતે 500 એન્જિન ક્ષમતાવાળું લોકોહબ ઊભું કરવાની યોજનાને લઈ સકારાત્મક ચર્ચા થઈ હતી. ગાંધીધામ ખાતે 150 લોકો એન્જિનના મેન્ટેનન્સની વ્યવસ્થા અંગે પણ અધિકારીઓએ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. ગાંધીધામ ચેમ્બર પ્રમુખ તેજા કાનગડના જણાવ્યા અનુસાર ભુજ રેલવે સ્ટેશન ખાતે 4 નંબરના પ્લેટફોર્મ પાસે એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ ઊભું કરવાની માગ પર પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ઉનાળાની ઋતુ દરમિયાન મજૂરોને લોડિંગ-અનલોડિંગમાં મુશ્કેલી ન પડે તે માટે ચીરી, ગાંધીધામ, સાંતલપુર અને હળવદ જેવાં મહત્ત્વપૂર્ણ સ્ટેશનો પર કંડલા પોર્ટની માફક 11 મીટર ઊંચાઈ ધરાવતા ગુડ્સ સ્ટોરેજ ઊભા કરવા ગાંધીધામ ચેમ્બરના પ્રતિનિધિ રાકેશ જૈન અને
ગુજરાત રિફાઇન સોલ્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના પારસમલ નાહટા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
જનરલ મેનેજરની ગાંધીધામ મુલાકાત દરમિયાન રજૂ કરાયેલા મુદ્દા આ બેઠકમાં પુન: રજૂ કરાયા હતા. માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું કે, પ્રવાસન, વિકાસ માટે માંડવીને રેલવે સેવાથી જોડવા અંગે ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી.

