વેરાવળઃ ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોમાં ફેલાયેલા રોગચાળા અને તેના કારણે થઈ રહેલાં મૃત્યુ બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા વનમંત્રી અર્જુન મોઢવાડિયા સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ દોડી આવ્યો હતો. હાલમાં જ 12 સિંહનાં મોતના મામલે છેક દિલ્હી વડાપ્રધાન સુધી પડઘા પડ્યા છે, જેને પગલે વનમંત્રીએ જામવાળા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
ગીરમાં સિંહમાં ફેલાયેલા રોગચાળાને પગલે ગીરના સિંહોની સુરક્ષા અને સારવાર માટે વહીવટી તંત્ર દ્વારા સઘન પગલાં લેવાઈ રહ્યાં છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સીસીએફ રતન નાલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રીએ એનિમલ કેર સેન્ટરમાં રખાયેલા અને સારવાર હેઠળ રહેલા 20 જેટલા સિંહોની વર્તમાન સ્થિતિ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી. જામવાળા ખાતેની બેઠક પૂર્ણ કર્યા બાદ વનમંત્રીએ જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લઈ અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને છેલ્લા ત્રણ દિવસથી એકપણ સિંહના મૃત્યુના સમાચાર નથી. ચિંતાની કોઈ વાત નથી. વનવિભાગ અને રાજ્ય સરકાર ગીરની શાન એવા એશિયાઈ સિંહોની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. વન કર્મચારીઓ અને તબીબોની રાત-દિવસની મહેનતના કારણે અત્યારે સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે. સિંહ રિકવર થઈ રહ્યા છે, છતાં પણ વન્યજીવોના સ્વાસ્થ્ય બાબતે અમે કોઈપણ પ્રકારની કચાશ રાખવા કે સહેજ પણ જોખમ લેવા માગતા નથી અને આગામી દિવસોમાં પણ કડક મોનિટરિંગ ચાલુ રહેશે.
વનવિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધી 8 સિંહનાં મોત થયાં છે, તેને પગલે કુલ 22 સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રખાયા છે. આ સિંહોનાં સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલાયાં છે.
8 સિંહનાં મોત કે 12નાં?
વન વિભાગના દાવા પ્રમાણે માત્ર 8 સિંહનાં મોત થયા છે, જ્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 સિંહનાં મોત થયાં છે. ગીર પૂર્વમાં થયેલા સિંહનાં મોત બાદ પ્રથમ વખત પીપીસીએફ પોતે ગીરથી માંડી પિપાવાવ દરિયાકાંઠા સુધી રાત્રે અને વહેલી સવારે જાતે નિરીક્ષણ કરવા પહોંચતાં સમગ્ર વિભાગ સતર્ક બની ગયો છે, જેના પગલે ઘટનાની ગંભીરતા વધી ગઈ છે.
જામનગરથી વનતારાની ટીમ ગીર પહોંચીઃ
તમામ સિંહ આઇસોલેટ કર્યાં
ઉના અને ગીરગઢડા પંથકના સાવજોમાં બેબેસિયાનો રોગચાળો ફેલાયાના પગલે વનતંત્ર દ્વારા આ વિસ્તારના સાવજોને પકડીને જુદાજુદા એનિમલ કેર સેન્ટરમાં રખાયા છે, જ્યાં તેમની તબિયત પર નજર રખાઈ રહી છે. બીજી તરફ જામનગરથી વનતારાના ડોક્ટરોની ટીમને પણ મદદમાં બોલાવાઈ છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં જે સાવજોને આઇસોલેટ રખાયા છે, તે સાવજોના શરીર પર દવા છાંટી લોહી ચૂસતી ઇતરડીનો નાશ કરાયો છે. આવી જ રીતે આ સાવજોને સીડીવીની વેક્સિન પણ અપાઈ છે. એક સાવજનું સારવાર દરમિયાન મોત થયા બાદ હાલમાં બાકીના તમામ સાવજો તંદુરસ્ત હોવાનો વનતંત્ર દાવો કરે છે. બીજી તરફ સાવજોના આ રોગચાળાને નાથવા જે રીતે આરએફઓ, ફોરેસ્ટર અને ટ્રેકર અને પશુ ચિકિત્સકોનો વધારાનો સ્ટાફ મુકાયો છે. તેવી જ રીતે હવે વનતારાના પશુ ચિકિત્સકોની ટીમને પણ મદદમાં બોલાવાઈ છે.

