ગુજરાતમાં વસ્તીગણતરીનો પ્રારંભ

Wednesday 03rd June 2026 06:10 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં 1 જૂનથી ‘વસ્તીગણતરી-2027’ના પ્રથમ તબક્કાનો વિધિવત્ પ્રારંભ થયો છે. દેશની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના તરીકે ઇતિહાસમાં અંકિત થનારી આ પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલી હાથ ધરાશે.
જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઇનકાર કરશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેન્ક વિગતો ન આપવા જણાવાયું છે. રાજ્યના વસ્તીગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે.
રાજકોટ જિલ્લામાં વસ્તીગણતરી-2027 અન્વયે 1 જૂનથી હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ ઓપરેશન (HLO)ની વ્યાપક કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના તાલીમબદ્ધ ગણતરીદારો અને સુપરવાઇઝર સહિતની ટીમોએ ફિલ્ડમાં ઉતરીને વસ્તીગણતરીના પ્રથમ તબક્કાનું પ્રશાસનિક કાર્ય હાથ ધર્યું છે. સમગ્ર જિલ્લામાં આ પ્રક્રિયા સુચારુ અને સચોટ રીતે સંપન્ન થાય તે માટે મનપા અને વહીવટી તંત્રએ તમામ સ્તરે વિસ્તૃત આયોજન અને જરૂરી વ્યવસ્થા ગોઠવી છે.
રાજ્યભરમાં હાઉસ લિસ્ટિંગની કામગીરી
વસ્તીગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું કે, અગાઉ જાહેર કરાયેલા 25 પ્રશ્નોની સ્વ-ગણતરી પ્રક્રિયામાં અનેક લોકોએ માહિતી ભરી દીધી છે. હવે 1 જૂનથી રાજ્યભરમાં પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિંગ (ઘરયાદી)ની કામગીરી શરૂ થઈ છે, જેમાં આશરે 1 લાખ 10 હજાર ગણતરીકારો અને 12 હજાર સુપરવાઇઝર ફિલ્ડમાં ઉતર્યા છે. ગણતરીકારો ઘરે-ઘરે જઈને હાઉસ લિસ્ટિંગ કરશે તેમજ 33 પ્રશ્નોની માહિતી એકત્રિત કરશે. સ્વગણતરી દરમિયાન ભરાયેલી વિગતોમાં કોઈ સુધારો કરાવવો હોય તો નાગરિકો ગણતરીકારને જરૂરી માહિતી આપી શકશે. આ પ્રક્રિયા માટે ગણતરીદારો વિસ્તારની રૂબરૂ મુલાકાત લેશે.


comments powered by Disqus