ચોટીલા હાઇવે પર વાહનની અડફેટે જૈન સંત કાળધર્મ પામ્યા

Wednesday 03rd June 2026 06:39 EDT
 
 

અમદાવાદઃ મૂર્તિપૂજક જૈન સંપ્રદાયના ભુવનભાનુસૂરી સમુદાયના જૈન સંતો ગુરુવારે વહેલી સવારે વિહાર કરી ડોળિયાથી ચોટીલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે ચોટીલાના મઘરીખડા ગામ પાસે કાળમુખા અજ્ઞાત વાહને અડફેટે લેતાં એક જૈન સંત ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યા છે. જૈન સંપ્રદાયમાં હાલ ચાતુર્માસ પૂર્વેનો શેષકાળનો સમય ચાલી રહ્યો હોવાથી સાધુ-સંતો એક સ્થાનેથી બીજા સ્થાને વિહાર કરતા હોય છે.
ચોમાસાના ચાર મહિના દરમિયાન સંતો સ્થિરવાસ કરે છે, તે પૂર્વે ચોટીલા હાઇવે પર વિહાર કરી રહેલા જૈન સંત માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામતાં જૈનસમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ મૂર્તિપૂજક જૈન સંપ્રદાયના ભુવનભાનુસૂરી સમુદાયના 30 જેટલા સંતોનો સંઘ ગુરુવારે વહેલી સવારે વિહાર કરીને ડોળિયાથી ચોટીલા તરફ આગળ વધી રહ્યો હતો. સવારે આશરે 5:45 વાગ્યે ચોટીલા હાઇવે પર મઘરીખડા ગામ પાસેથી પસાર થતી વખતે કોઈ અજ્ઞાત વાહને કાળ બનીને 51 વર્ષીય પૂજ્ય ઓમકારશેખર વિજયજી મહારાજને જોરદાર અડફેટે લીધા હતા.


comments powered by Disqus