ભુજઃ આગામી એકાદ વર્ષમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર ‘સ્માર્ટ બોર્ડર’ સુરક્ષા સિસ્ટમ લાગુ કરાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છ સરહદે બીએસએફના જવાનોની હિંમત અને સમર્પણની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, બીએસએફની સ્થાપનાના 60મા વર્ષમાં બીએસએફની સરહદ સુરક્ષાની વિભાવનાને પૂરી રીતે બદલવાનો નિર્ણય કરાયો છે. ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ’ બનાવી ‘ટેરિટોરિયલ સુરક્ષા’નો નવો કન્સેપ્ટ લોન્ચ કરીશું. સ્માર્ટ બોર્ડર સિક્યોરિટી પ્રોજેક્ટ હેઠળ ડ્રોન, રડાર, વોચ ટાવર, અત્યાધુનિક ટેક્નોલોજી અને જવાનોની તહેનાતીથી એક મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી થશે. આ પછી કોઈ ભારતીય સરહદને ભેદવાની હિંમત કોઈ નહીં કરી શકે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ બીએસએફ જવાનો સાથે ‘હાઈ ટી’ કાર્યક્રમમાં ભાગ લઈ સંબોધન કરતાં કહ્યું હતું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર ડ્રોન, અદ્યતન રડાર અને સ્માર્ટ કેમેરાની મદદથી 24 કલાક નજર રખાશે. એક સમયે કચ્છની સરહદે મોટાપાયે સ્મગલિંગ અને દેશવિરોધી પ્રવૃત્તિ થતી હતી, પરંતુ બીએસએફની સતર્કતા અને પહેરાના કારણે આ પ્રવૃત્તિ બંધ થઈ છે. હરામીનાળાની મુલાકાત દરમિયાન ગૃહમંત્રીએ બીએસએફ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક પણ યોજી હતી.

