પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઃ દાહોદ-મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પવન સાથે વરસાદ

Wednesday 03rd June 2026 06:10 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર સાથે વરસાદ પડ્યો હતો. પવન સાથે વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી હતી. દાહોદ, મહિસાગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
દાહોદ, ઝાલોદ, લીમડી, ફતેપુરા અને સંજેલી વિસ્તારમાં કાળાંડિબાંગ વાદળો છવાયાં હતાં. પવનના સુસવાટા સાથે પડેલા હળવા વરસાદી છાંટાએ છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને લૂથી પરેશાન લોકોને આંશિક રાહતનો અનુભવ કરાવ્યો હતો. મહીસાગર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે શનિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. શનિવારથી લુણાવાડા, સંતરામપુર, ખાનપુર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદે એન્ટ્રી કરતાં લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક ઠેકાણે શનિવારે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાયા બાદ હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મામાં વરસાદ વરસ્યો હતો. પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે દ્વારકાના દરિયામાં પણ ઊંચાં મોજાં ઉછળ્યાં હતાં.


comments powered by Disqus